સોમપુરા પરિવારનાં કળાકારો દ્વારા મુંબઈમાં પ્રદર્શન ‘હેપ્પી રૂમ’

મુંબઈઃ જાણીતા ફોટોગ્રાફર આશિષ સોમપુરા તથા એમના આર્ટિસ્ટ પરિવારજનો દ્વારા એમની વિવિધ કલાકૃૃતિઓ, ચિત્રોનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શન દ્વારા એમણે દર્શાવ્યું છે કે, આજના સોમપુરાઓ હવે ફક્ત શિલ્પકાર્ય પૂરતાં જ મર્યાદિત રહ્યાં નથી. એમની ક્ષમતાના અવકાશને કોઈ જ સીમા કે બંધન નડતાં નથી. લેખન, ગીત, સંગીત, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, જાહેરખબર જેવી વિવિધ કલાઓને વિવિધ માધ્યમો દ્વારા આત્માસાત કરી સોમપુરા પરિવારનાં સ્વજનો માતા સરસ્વતી સાથે જ સર્જક વિશ્વકર્માદેવની આરાધના કરી પોતાનું જીવન સાર્થક કરવા પ્રગતિ કરી રહ્યાં છે.

ARTFIRST PHOTO DESIGNS

સ્વ. રતિલાલ બાલાશંકર સોમપુરાના પાંચ દીકરાઓ. વડવાઓને કારણે તેમને પ્રારંભથી જ કલા, ગીત સંગીતનો અદમ્ય શોખ રહ્યો. મુંબઈમાં એમના પૂર્વજો કોન્ટ્રાક્ટર તરીકે બેનમૂન બંગલાઓનું નિર્માણ કરતા. એમણે લેખન, ફોટોગ્રાફી, ગીત, સંગીત તેમ જ વિવિધ કલાઓમાં નામના મેળવી. આજે એમનાં દીકરા, દીકરીઓ, વહુ, જમાઈઓ વિવિધ કલાની ઉપાસના દ્વારા પોતાની રચનાઓનો આનંદ લઈ રહ્યાં છે. તેમની નવી પેઢી પણ નવો ચીલો કંડારવા તૈયાર થઈ રહી છે.

 

ARTFIRST PHOTO DESIGNS

આવા એક સોમપુરા પરિવારનાં સભ્યોએ એક જ છત્ર નીચે મળીને પોતપોતાની કલા-કારીગરીનું પ્રદર્શન યોજ્યું છે – જેનું નામ પણ એમણે રાખ્યું છે ‘ધ હેપ્પી રૂમ’. આ કાર્યક્રમમાં ગીત, સંગીતના જલસાના માહોલ વચ્ચે સોમપુરા પરિવારજનોની ખૂબ વ્યાજબી ભાવે અવનવી કલાકૃતિઓ પ્રદર્શન-કમ-વેચાણ માટે ઉપલબ્ધ છે, જેમ કે, પેઈન્ટિંગ્સ, સ્ટોન આર્ટ, રેસિન આર્ટ, હેન્ડ પેઈન્ટેડ ટોટે બેગ્સ, ડિઝાઈનર કેન્ડલ્સ, રંગબેરંગી ડિઝાઈનવાળાં વસ્ત્રો, પુસ્તકો, ગિફ્ટિંગ આઈટમ્સ, હોમમેડ ચોકલેટ્સ વગેરે.

પ્રદર્શકોનાં નામ છેઃ લિના સોમપુરા-શિંદે, જ્યોતિ સોમપુરા, મેઘના સોમપુરા, ખુશી સોમપુરા, રેખા સોમપુરા-મહેતા, અલ્પા સોમપુરા-શાહ, જીલ ગાંધી, નિમેષ સોમપુરા, ઉન્નતિ શિંદે, સાગર કાંબલી. ફૂડ કર્ટસી છેઃ કેતન સોમપુરા અને રૂપા સોમપુરાની. લેખનકળા સંભાળનાર છે – સુરેશ સોમપુરા, કીર્તિ સોમપુરા, વિવેક શિંદે, સાગર કાંબલી. લાઈવ-મ્યુઝિક પરફોર્મન્સ આપનારાં છેઃ ભૂપેન્દ્ર સોમપુરા, કશ્યપ સોમપુરા, મેઘના સોમપુરા, મનન સોમપુરા, પંચમ સોમપુરા, અલ્પા સોમપુરા-શાહ, મૈત્રી જોશી, પ્રિશા મહેતા. ફોટોગ્રાફી કરી છેઃ આશિષ સોમપુરા, માનસ સોમપુરા અને મલય સોમપુરાએ. અખબારી કામકાજ સંભાળનાર છેઃ પ્રજ્ઞા સોમપુરા અને માનસ સોમપુરા. સ્ટોલની ડિઝાઈન તૈયાર કરનાર છે – સલોની સોમપુરા. સમગ્ર કોન્સેપ્ટ કશ્યપ સોમપુરા અને કેતન સોમપુરાનો છે.

આ પ્રદર્શન 10-11 સપ્ટેમ્બરે વિલે પારલે (વેસ્ટ) ઉપનગરના જુહૂ પીવીઆર નજીકના વિલે પારલે મેડિકલ ક્લબ ખાતે યોજવામાં આવ્યું છે. જેનો સમય બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધીનો છે.

(તસવીરોઃ માનસ સોમપુરા)