મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે જણાવ્યું છે કે રાજ્યમાં હવે કોવિડ-19 રસીના 14 લાખ ડોઝ છે, જે માત્ર ત્રણ દિવસ સુધી ચાલે એટલા જ છે. રસીની તંગીને કારણે ઘણા રસીકરણ કેન્દ્રોને બંધ કરી દેવા પડી રહ્યા છે.
પત્રકાર પરિષદને સંબોધિત કરતાં ટોપેએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી રસીના ડોઝની સપ્લાય કરાઈ ન હોવાને કારણે આવા કેન્દ્રોમાં રસી લેવા આવતા લોકોને પાછા મોકલી દેવા પડી રહ્યા છે. અનેક રસીકરણ કેન્દ્રોમાં અમારી પાસે રસીના પર્યાપ્ત ડોઝ ઉપલબ્ધ નથી. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે દર અઠવાડિયે રસીના 40 લાખથી વધારે ડોઝ સપ્લાય કરવામાં આવે. હું એમ નથી કહેતો કે કેન્દ્ર સરકાર અમને રસીઓનાં ડોઝ આપતી નથી, પરંતુ રસીની ડિલીવરીની સ્પીડ ઓછી છે.