મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર રહેનાર દિશા સાલિયનનાં મૃત્યુમાં તપાસ કરવા માટે એક SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવાનો આજે આદેશ આપ્યો છે. SITની રચના કરાશે એવી માહિતી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા વર્ષના ડિસેમ્બરમાં વિધાનસભામાં આપી હતી. SITનું નેતૃત્વ મુંબઈ પોલીસના ઉત્તર વિભાગના એડિશનલ કમિશનર લેશે.
દિશા સાલિયનનું 2020ની 8 જૂનની મધરાતે મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં એક બહુમાળી મકાનના 12મા માળ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તે ફ્લેટ દિશાનાં કથિત બોયફ્રેન્ડ અને મોડેલ-એક્ટર રોહન રાયનો હતો, જે મૂળ પુણેનો વતની છે. બંને જણ સાતેક વર્ષથી એકબીજાનાં પ્રેમમાં હતાં અને લગ્ન કરવાનાં હતાં એવું મનાય છે. કમનસીબ ઘટનાની રાતે રોહનનાં ફ્લેટમાં એક પાર્ટી રખાઈ હતી જેમાં રોહન, દિશા તથા એમનાં બીજાં ત્રણ મિત્રો પણ હાજર હતાં. દિશાનાં મૃત્યુના એક અઠવાડિયા બાદ સુશાંતસિંહ રાજપૂત બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના ઘરમાં લટકતી હાલતમાં મૃત મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે તે કેસને આકસ્મિક મૃત્યુના કેસ તરીકે નોંધ્યો છે. દિશા દાદર ઉપનગરમાં તેનાં માતા-પિતા સાથે રહેતી હતી.