મુંબઈઃ એક અહેવાલ અનુસાર, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાને કારણે દરિયામાં જળસપાટી વધી રહી છે. જો આ વધારો ચાલુ રહેશે તો અને દરિયામાં તાપમાન વધવાનું ચાલુ રહેશે તો મુંબઈમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો વધારે ગંભીર બનશે. ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ સંસ્થાએ તેના અહેવાલમાં એવો ભય વ્યક્ત કર્યો છે કે મુંબઈમાં જો દરિયાની સપાટી વધવાનું ચાલુ રહેશે તો 2050ની સાલ સુધીમાં આશરે રૂ. 5,000 કરોડ જેટલું આર્થિક નુકસાન કરાવશે. 2070ની સાલ સુધીમાં મુંબઈમાં દરિયાની સપાટી 2.9 ગણી વધશે. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે જેનું ફોકસ પૂરનું જોખમ ઘટાડવા અને શહેરને દરિયાની વધતી સપાટી સામે રક્ષણ આપવા પર રહેલું છે. દરિયામાં ભરતીને કારણે કિનારાના વિસ્તારોમાં ઢોરઢાંખર, વનસ્પતિ-છોડ અને માછીમારી પર ખતરો આવી શકે છે.
બીજી બાજુ, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે અને સમુદ્રમાં તાપમાન વધવાને કારણે ચોમાસા-પૂર્વે અને ચોમાસા-બાદ વાવાઝોડાઓનું પ્રમાણ પણ વધવાની સંભાવના છે, એમ ભારતી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક પોલિસીનાં સંશોધક ડો. અંજલિ પ્રકાશનું કહેવું છે.
