મુંબઈઃ કોરોના વાઈરસના કોઈ શંકાસ્પદ દર્દીના અવાજના નમૂના પરથી બીમારીનો તાગ મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઈઝરાયલની એક વોઈસ ટેક કંપની સાથે કરાર કર્યો છે. વોકેલીસ હેલ્થ ઈઝરાયલની સ્ટાર્ટઅપ કંપની છે.
આ કંપની આવતા બુધવારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સોફ્ટવેર ટેક્નોલોજી મારફત દર્દીઓના અવાજના સેમ્પલ્સ લઈ ચકાસણી શરૂ કરશે.
કોવિડ-19 ગ્રસ્ત લોકોને ઓળખી કાઢવા માટે એક ડાયગ્નોસ્ટિક સાધન વિક્સાવવાના પ્રયાસ રૂપે વોકેલીસ હેલ્થ કંપની દુનિયાભરમાંથી લોકોના અવાજના નમૂના એકત્ર કરી રહી છે. આ કોન્સેપ્ટ નવો છે, પરંતુ અમેરિકા અને ઈઝરાયલ જેવા અનેક દેશો આનો ઉપયોગ કરી રહ્યા છે.
મુંબઈના અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું છે કે ગોરેગાંવ (પૂર્વ)સ્થિત NESCO જમ્બો કોવિડ કેન્દ્રો ખાતે 2000 જેટલા અત્યંત શંકાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાજર થશે જ્યાં આગામી ત્રણ દિવસમાં વોકેલીસ હેલ્થના અધિકારીઓ એમના અવાજના સેમ્પલ્સ લેશે. આ પદ્ધતિનો ભારતમાં પહેલી જ વાર ઉપયોગ કરવામાં આવશે. વોઈસ બાયોમાર્કર્સ મશીન દ્વારા વ્યક્તિના અવાજનો નમૂનો લીધા બાદ વ્યક્તિમાં SARS-COV-2 કે નોવેલ કોરોના વાઈરસના લક્ષણ છે કે નહીં એની માત્ર 30 સેકંડમાં જ ખબર પડી જશે.
વિલે પારલે (વેસ્ટ)સ્થિત મહાપાલિકા સંચાલિત કૂપર હોસ્પિટલમાં એથિક્સ કમિટીના નિરીક્ષણ હેઠળ વોઈસ સેમ્પલ્સનો અભ્યાસ હાથ ધરાશે.
નાયર ડેન્ટલ હોસ્પિટલનાં ડીન અને નેસ્કો કોવિડ સેન્ટરનાં ઈન-ચાર્જ ડો. નીલમ આંદ્રાડેએ કહ્યું છે કે વોઈસ બાયોમાર્કર્સ મશીનનો ભારતમાં કોરોના દર્દીઓની પહેચાન માટે પહેલી જ વાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતભરમાંથી 10 હજાર વોઈસ સેમ્પલ્સ ભેગા કરાશે. મુંબઈમાંથી 2000 સેમ્પલ્સ લેવાશે.
આના અભ્યાસ માટે ત્રણ ગ્રુપ પસંદ કરાયા છે – કોવિડ પોઝિટીવ, શંકાસ્પદ અને નેગેટિવ દર્દીઓ. અમે દર્દીઓને 50-70 આંકડા અવાજથી બોલાવીને એમના વોઈસ રેકોર્ડ કરીશું અને ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા એનું પૃથક્કરણ કરાશે. જો કોઈ દર્દીનો ઓડિયો પોઈન્ટ 0.05 હોય તો એ કોવિડ પોઝિટીવ છે, પરંતુ જો તે 0.08થી વધારે હોય તો મતલબ એ કે આ અત્યંત ગંભીર કેસ છે અને એને તાત્કાલિક સારવારની જરૂર છે.
વોકેલીસ હેલ્થ દુનિયાભરમાં લોકોને અપીલ કરી રહી છે કે તેઓ એમના અવાજ કંપનીને દાન કરે. લોકો આ કંપનીની વેબસાઈટ પર જઈને પોતાનો અવાજ દાન કરી શકે છે. લોકોને રોગથી વહેલી તકે સાવચેત કરવાનો આ કંપનીના સંશોધકોનો હેતુ છે.
સોફ્ટવેર દર્દીના અવાજ પરથી એના શ્વસન પ્રભાવથી એનામાં વાઈરસના સંકેતોને ઓળખવાનું કામ કરે છે.