મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની ઘોષણા કરવાનું મુહૂર્ત વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. એણે તેના 51 ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી છે.
આ યાદી કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જાહેર કરી છે.
પાર્ટીએ તેના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાત, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ અને વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકેની ફરજ બજાવતા વિજય વડેટ્ટીવારને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે.
થોરાત સંગમનેર બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે ચવ્હાણ ભોકર, વડેટ્ટીવાર બ્રહ્મપૂરી, અમિત દેશમુખ લાતુરમાંથી ચૂંટણી લડશે. સોલાપુર શહેરના હાલના વિધાનસભ્ય પ્રણિતી શિંદેને પણ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન છે અને 24 ઓક્ટોબરે પરિણામ ઘોષિત કરવામાં આવશે. 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો હતો અને તેણે શિવસેનાનાં સાથ વડે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. ભાજપ-શિવસેનાએ કોંગ્રેસ-એનસીપીના 15 વર્ષના શાસનનો અંત લાવી દીધો હતો.
આ છે, મુંબઈના ઉમેદવારો
કોંગ્રેસે મુંબઈની અમુક બેઠકો માટે પણ આજે તેના ઉમેદવારોનાં નામ ઘોષિત કર્યા છે. જે આ મુજબ છેઃ
ભાંડુપ (પશ્ચિમ) – સુરેશ કોપરકર
અંધેરી (પશ્ચિમ) – અશોક જાધવ
ચાંદીવલી – મોહમ્મદ આરિફ ખાન
મુંબાદેવી – અમિન પટેલ
બાન્દ્રા (પૂર્વ) – ઝિશન સિદ્દિકી
ધારાવી – વર્ષા ગાયકવાડ
સાયન કોલીવાડા – ગણેશ યાદવ
ચેંબૂર – ચંદ્રકાંત હંડોરે
કોલાબા – અશોક જગતાપ
અંબરનાથ (થાણે જિલ્લો) – રોહિત સાળવે
મીરા-ભાયંદર – સૈયદ હુસેન