બળાત્કારના ગુનાનું પુનરાવર્તન કરે એને ફાંસીની સજા આપી શકાયઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈ  – ભારતીય ફોજદારી કાયદાની એક સુધારિત કલમની બંધારણીય કાયદેસરતાને મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખી છે. તે અંતર્ગત એવું ઠરાવાયું છે કે બળાત્કારના ગુનાનું પુનરાવર્તન કરનાર અપરાધીને આજીવન કેદ કે ફાંસીની સજા ફરમાવી શકાય.

ન્યાયમૂર્તિઓ બી.પી. ધર્માધિકારી અને રેવતી મોહિતે-ડેરેની વિભાગીય બેન્ચે ત્રણ અપરાધીએ નોંધાવેલી પીટિશનને ફગાવી દીધી હતી. આ કેસ મુંબઈમાં શક્તિ મિલ્સ ગેંગરેપને લગતો છે. ત્રણેય અપરાધીએ એમને 2014માં ફાંસીની સજા ફરમાવનાર કાનૂની જોગવાઈઓની બંધારણીય કાયદેસરતાને પડકારી હતી.

ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 376 (e)માં સુધારો કરવામાં આવ્યો છે અને એવું ઠરાવાયું છે કે જે લોકો વારંવાર બળાત્કારનો ગુનો કરે એમને આજીવન કેદ અથવા ફાંસીની સજા આપી શકાય.

2012માં દિલ્હીમાં 23 વર્ષીય એક યુવતી પર ગેંગરેપ કરાયા બાદ આઈપીસીની કલમમાં સુધારો કરવામાં આવ્યો હતો.

મુંબઈ વડી અદાલતના ન્યાયાધીશોએ કહ્યું છે કે, અમારો એવો મત છે કે આઈપીસીની કલમ  376 (e) બંધારણની વિરુદ્ધની નથી તેથી હાલના કેસને રદબાતલ કરવાની કોઈ જરૂર નથી.