ગાંધીજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કરનાર મુંબઈનાં નાયબ મહાપાલિકા કમિશનરની બદલી કરી દેવાઈ

મુંબઈ – પોતાનાં ટ્વિટર હેન્ડલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ અને વાંધાજનક ટ્વીટ કરનાર મુંબઈ મહાનગરપાલિકા (BMC)નાં મહિલા નાયબ કમિશનર નિધિ ચૌધરીની રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે.

આમ, નિધિ ચૌધરી હવે મહાપાલિકા મુખ્યાલયને બદલે રાજ્ય સરકારના મંત્રાલયમાં બેસશે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે તો નિધિ ચૌધરીને બરતરફ જ કરવાની માગણી કરી છે.

નિધિ ચૌધરી વરિષ્ઠ IAS અધિકારી છે.

એમણે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેને ગયા અઠવાડિયે એક ટ્વીટમાં ‘થેંક્યૂ ગોડસે’ કહ્યું હતું. નિધિએ એમનાં વિવાદાસ્પદ ટ્વીટમાં આમ લખ્યું હતું: ‘આપણે ભવ્ય રીતે 150મી જન્મજયંતિ ઉજવી રહ્યાં છીએ, આ જ મોકો છે કે આપણે ચલણી નોટો પરથી એમનો ચહેરો હટાવી દઈએ, દુનિયાભરમાં એમની મૂર્તિઓને હટાવી દઈએ, એમનાં નામવાળી સંસ્થાઓ અને માર્ગોનાં નામ બદલી નાખીએ, તે આપણા સૌની વતી એમને અસલી શ્રદ્ધાંજલિ હશે. 30 જાન્યુઆરી, 1948 માટે થેંક્યૂ ગોડસે.’

ગાંધીજી વિશે વિવાદાસ્પદ ટ્વીટ પોસ્ટ કરવા બદલ એમને રાજ્ય સરકાર તરફથી કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.

ચૌધરીના ટ્વીટના વિવાદમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હસ્તક્ષેપ કર્યો છે અને ચૌધરીની બદલી કરવાનો આદેશ આપ્યો છે.