પોતાની મરજીથી કામ પર ન આવનારનો પગાર કાપી શકાયઃ હાઈકોર્ટ

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે એમ્પલોયર્સ કાયદા અંતર્ગત એવા કર્મચારીઓનો પગાર કાપી શકાય છે જેઓ એમની મરજીથી કામ પર આવતા નથી જે વિસ્તારોમાં કોરોના વાઈરસના સંદર્ભમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.

ન્યાયમૂર્તિ રવીન્દ્ર ધુગેએ પાંચ મેન્યૂફેક્ચરિંગ એકમો દ્વારા નોંધાવવામાં આવેલી એક પીટિશન પરની સુનાવણી વખતે ઉપર મુજબ ચુકાદો આપ્યો હતો.

અરજદારોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગઈ 29 માર્ચે ઈસ્યૂ કરવામાં આવેલા એક વટહૂકમને પડકાર્યો છે. એ વટહૂકમમાં જણાવવામાં આવ્યું હતું કે માલિકો લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના એવા કર્મચારીઓને પગાર આપે જેમાં પ્રવાસી (માઈગ્રન્ટ), કોન્ટ્રેક્ટ બેઝિસ મજૂરો, પૂર્ણ માસિક વેતન મળવનારાઓ.

કંપનીઓના વકીલે દલીલ કરી હતી કે લોકડાઉનને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ છે અને ઘણા કામદારો કામ પર આવવા માટે ઈચ્છુક નહોતા. એવામાં, કંપનીઓ એમના કામદારોને પગાર ન આપવાની છૂટ માગતી હતી. ફેક્ટરીમાલિકોનું કહેવું છે કે ન્યૂનતમ મજૂર કાયદા અંતર્ગત 50 ટકા વેતન ચૂકવવા તેઓ તૈયાર હતા.

કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા વકીલોએ કહ્યું કે

કોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં લોકડાઉનના નિયમોમાં રાહત આપી છે.

કોર્ટે તમામ ફેક્ટરી માલિકોને આદેશ આપ્યો કે જે કામદારો કામ પર આવે એમને તેઓ પૂરો પગાર ચૂકવે અને જે લોકો એમની મરજીથી કામ પર હાજર થયા નથી એમનો પગાર કાપી શકો છો.

ફેક્ટરીમાલિકોએ એવો દાવો કર્યો હતો કે કારખાનાઓમાં કામ બંધ કરવું પડ્યું હોવાથી તેઓ કામદારોને પગાર ચૂકવી શકે એમ નથી. તે છતાં એમણે કામદારોને લઘુત્તમ 50 ટકા પગાર આપવાની તૈયારી બતાવી હતી.

ફેક્ટરીમાલિકોએ જજને જાણકારી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે કેસ ચાલે છે.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે કહ્યું કે હું ઈચ્છીશ કે માલિકો એમના એવા કામદારોને મહિનાનો પૂરો પગાર આપે, જેમણે કામ પર હાજર થવાની આવશ્યક્તા નથી, ભલે એમના પગારમાંથી કન્વેયન્સ અને ફૂડ અલાવન્સ કાપી લો.

કોર્ટે એવી નોંધ લીધી હતી કે રાજ્ય સરકારે અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં લોકડાઉનના નિયંત્રણોમાં રાહત આપી છે તેથી કામદારોએ શિફ્ટના શેડ્યૂલ પ્રમાણે કામ પર હાજર થાય એવી આશા રાખી શકાય. જો કે એ શરતે કે માલિક દ્વારા એમને કોરોનાવાઈરસ રોગ સામે પર્યાપ્ત રક્ષણ આપવામાં આવે.

કોર્ટે કહ્યું કે, આમ છતાં જે કામદારો એમની મરજીથી કામ પર ગેરહાજર રહે છે એમનો પગાર કાપવાની માલિકોને છૂટ છે, જો કે એ માટે માલિકોએ કાયદાનુસાર પગલાં લેવાના રહેશે.

કોર્ટે આ કેસમાં ટ્રેડ યુનિયનો અને કામદારોના પ્રતિનિધિઓને હસ્તક્ષેપ પીટિશન નોંધાવવાની પણ છૂટ આપી છે અને કેસમાં વધુ સુનાવણી 18 મેએ યોજવાનું નક્કી કર્યું છે.