અરબી સમુદ્રમાં બાર્જની-જળસમાધીઃ તમામ લાપતાનાં મૃતદેહ મળ્યા

મુંબઈઃ અરબી સમુદ્રમાં ગયા અઠવાડિયે વાવાઝોડા તાઉ’તેને કારણે ડૂબી ગયેલા માલવાહક જહાજ (બાર્જ) પી-305 અને ટગબોટ વારાપ્રદ પરના તમામ લાપતા ખલાસીઓનાં મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે દુર્ઘટનામાં થયેલા મરણનો કુલ આંકડો 86 પર પહોંચ્યો છે. તમામ મૃતદેહો મળી આવતાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત જંગી બચાવ કામગીરીને હવે અટકાવી દેવામાં આવી છે.

ગયા અઠવાડિયે વિનાશકારી વાવાઝોડું ફૂંકાતાં મુંબઈના સમુદ્રકાંઠા નજીક મધદરિયે રહેલા બાર્જ પપ્પા-305 અને બે ટગબોટ પરના કુલ 274માંથી કેટલાક લોકો લાપતા થયા હતા. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જવાનોએ વારાપ્રદ ટબગોટ પરના બે જણ સહિત 188 જણને બચાવી લીધા હતા અને બાકીના ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. 70 મૃતદેહ મુંબઈ નજીક અરબી સમુદ્રમાંથી, જ્યારે અન્ય મૃતદેહો રાયગડ જિલ્લાના તથા ગુજરાતના વલસાડના તિથલ સમુદ્ર કાંઠેથી મળી આવ્યા હતા. મૃતદેહોની ઓળખવિધિ કરવામાં આવી રહી છે. 45 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે અને તે એમના પરિવારજનોને સુપરત કરી દેવામાં આવ્યા છે. નૌકાદળના ડૂબકીમારોએ અન્ડરવોટર કામગીરી પૂરી કરી લીધી છે અને કહ્યું છે કે દરિયામાં ડૂબી ગયેલા બાર્જ પી-305ના કાટમાળમાં હવે કોઈ લાપતા ખલાસીના મૃતદેહ રહ્યા નથી.