શું માનવીઓ પ્રાણીઓ જેટલાં નિર્દોષ છે?

મુંબઈઃ ”એક દિવસ સિંહ અને માણસ મળ્યા. બંને વચ્ચે દલીલો થઈ કે બે માંથી કોણ બળવાન? ચાલતા-ચાલતા રસ્તામાં એક પૂતળું જોવા મળ્યું, જેમાં એક સિંહની પથ્થરની પ્રતિમા પર પગ રાખીને એક માણસ હાથમાં બંદૂક સાથે ઊભો હતો. માણસે તરત સિંહને પૂછ્યું, ‘જો અહીં, કોણ બળવાન છે?’ સિંહે જવાબમાં કહ્યું, ‘આ તો માણસે બનાવી છે. સિંહ આ પ્રતિમા બનાવત તો જુદું જોવા મળત.’ આવી અનેક કાલ્પનિક કથાઓ છે, જે ઈસપ નામના શખ્સે લખી હોવાનું મનાય છે. ઈસપ એક ક્રાંતિકારી વિચારધારાનો ફિલસુફ હતો, જેને ગુલામ બનાવવામાં આવ્યો હતો, કારણ કે તે સૌને સવાલો કરીને-ઉશ્કેરીને જગાડતો હતો. જેમના પર અત્યાચાર થયા હોય તેમના વિશે બોલીને તે બધાંને ભડકાવવાનું કામ કરતો, જેને કારણે ચોક્કસ સ્થાપિત હિતોએ તેને ચોરીના એક આરોપમાં ફસાવ્યો અને તેને સજા કરાવી. આ ઈસપની કથા આજે પણ એટલી જ રિલેવન્ટ છે, કેમ કે તે સમકાલીન છે.” આ વિધાનો તાજેતરમાં કાંદિવલીની સંસ્થા સંવિત્તિના કાર્યક્રમમાં સાંભળવા મળ્યા. આ ઈસપની બોધકથાઓ પર વક્તવ્ય આપનારા હતા સુવિખ્યાત ભાષવિદ બાબુભાઈ સુથાર.બાબુભાઈ સુથાર કહે છે, છેલ્લા ત્રણેક દાયકાથી ફિલસૂફી અને જ્ઞાનની બીજી શાખાઓમાં ‘એનિમલ ટર્ન’ આવ્યો છે. આ ટર્નના ભાગરૂપે વિદ્વાનો હવે માણસ અને પશુઓને એકબીજાની સામે મૂકીને જોવાને બદલે એમને એક જ સમુદાયના બે સભ્યો તરીકે જોઈ રહ્યા છે. હવે તેઓ “માણસ’’ અને “પશુ’’ને બદલે “માનવ પ્રાણી’’ અને “માનવેતર પ્રાણી’’ની વાતો કરી રહ્યા છે. આના એક ભાગરૂપે ઘણા વિદ્વાનો ઈસપ સહિત અનેક સર્જકોની પશુકથાઓને નવા દૃષ્ટિકોણથી વાંચી રહ્યા છે અને એના ઉપક્રમે ઘણા બધા નવા પ્રશ્નો ઊભા થયા છે. એમાંનો એક પ્રશ્ન છેઃ ‘મુક્ત અર્થતંત્ર અને ડિજિટલ ટેક્નોલોજીના જમાનામાં પશુકથાઓમાં આવતા માનવેતર પ્રાણીઓ પાસેથી આપણે શું શીખી શકીએ?’ આ પહેલાં પણ આપણે પશુકથાઓનું વિશ્લેષણ કર્યું છે પણ એ વિશ્લેષણમાં આપણે મોટે ભાગે જે તે પશુકથાઓના બોધ પર અથવા તો માણસે એ પશુઓ પર માનવ ભાવનું કેવું આરોપણ કર્યું છે એના પર ભાર મૂક્યો છે. હવે એ અભિગમ બદલાઈ ગયો છે. આ વિષયને કેન્દ્રમાં રાખી સંવિત્તિ સંસ્થા અને કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સ્થાપિત ગુજરાતી ભાષા ભવન તરફથી સુવિખ્યાત ભાષાવિદ્દ ઉપરાંત કવિ અને નવલકથાકાર બાબુ સુથારનું એક વ્યાખ્યાન તાજેતરમાં કાંદિવલીમાં યોજવામાં આવ્યું હતું.

બાબુભાઇ સુથાર ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન છે, તેઓ વરસોથી અમેરિકામાં પ્રોફેસર રહ્યા છે. લિંગ્વીસ્ટીક પર તેમની માસ્ટરી છે. અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં તેમણે આર્ટ્સ-મીડિયા જેવા વિષયો પર ઊંડો અભ્યાસ કર્યો છે. માસ્ટર અને પીએચડી પણ પ્રાપ્ત કરી છે. તેઓ અમદાવાદ અને બરોડા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકા ગયા હતા.

સમકાલીન એટલે શું ?

બાબુભાઈએ સમકાલીન શબ્દની બહુ સરસ વ્યાખ્યા કરતા કહ્યું કે જે બાબત કે ઘટના દરેક સમયમાં જોઈ શકાય તે સમકાલીન કહેવાય છે. આનું અર્થઘટન ઊંડું થઈ શકે છે. તેમના મતે ઈસપની બોધકથાઓ આજે પણ ચર્ચાનો વિષય છે તેનું કારણ એ પણ સમકાલીન છે. તેમછતાં આજે સમયમાં જબરદસ્ત પરિવર્તન છે તે પણ નોંધવું રહ્યું. નોંધવાની વાત એ છે કે આપણે બોધકથાઓમાં કાગડો, વાંદરો, ગધેડો, શિયાળ, વરુ, સિંહ, વાઘ, સસલું, કોયલ વગેરે સહિત અનેક પ્રાણીજ-પક્ષીઓનો સમાવેશ કરીને, તેમાંથી આપણે બોધ લેતા રહ્યા છીએ, કિંતુ માણસમાંથી બોધ લેવા જેવું રહ્યું છે ખરું? માણસ બોધ કથાઓ કામ લાગે એવો રહ્યો નથી. આપણે માણસો પ્રાણીઓ કરતા પણ નીચે ઉતરી ગયા હોય એવું લાગી રહ્યું છે. શું આપણે પ્રાણીઓ જેટલાં નિર્દોષ છીએ? વિદેશોમાં પ્રાણી-પશુઓના અધિકાર વિશે ચર્ચા થાય છે, જ્યારે આપણે માત્ર માનવ અધિકાર સુધી પહોંચ્યા છીએ. આપણે પ્રાણીઓેને સમજવામાં પાછળ રહ્યા છીએ.

વાંદરાનું માણસો વિશે રિસર્ચ…

કાફકા નામના વિદેશી લેખકને ટાંકતા બાબુભાઈએ કહ્યું હતું કે એમની કથામાં એક વાંદરો વૈજ્ઞાનિક છે અને તે પોતાની કોમ્યુનિટીને કહે છે કે, હું માણસો સાથે રહીને માણસ જેવો બની ગયો છું. આમાં કટાક્ષ છે, વ્યંગ છે. માનવસમાજને વિચારતા કરવાનો બોધ છે. કિંતુ માણસ સદા પોતાને પ્રાણીઓથી શ્રેષ્ઠ માનતો રહ્યો છે. ઈસપની કથાઓમાં રાજકારણથી લઈ સમાજના વિભિન્ન લોકો પર વ્યંગ સાથે બોધ આપવાનું લક્ષ્ય છે. ઈસપ પોતાના વિશે વાત નથી કરતા એમ જણાવતા બાબુભાઈ સુથારનું કહેવું છે કે સાચો લેખક પોતાના માટે નથી લખતો, બીજાઓ માટે લખે છે. આપણે કવિતા વાંચીએ છીએ અને કવિ શું કહેવા માગે છે તેની વાત કરીએ છીએ, પરંતુ કવિ શા માટે આમ કહે છે ત્યાંસુધી આપણે પહોંચતા નથી. દરેક વાચક-વ્યક્તિને સવાલ થવા જ જોઈએ, જો આપણે બોધકથા વાંચીએ અને સવાલ ન કરીએ તો ગ્રાહક બની જઈએ છીએ.

લોકોને જાગવું નથી?

બાબુભાઈ સુથારના જણાવ્યાનુસાર ઈસપની બોધકથાઓમાં દેવો પર પણ કટાક્ષ આવે છે. રાજા, સત્તા અને રાજકારણીઓ સામે પણ ભરપૂર વ્યંગ આવે છે, જે સદીઓ પહેલા લખાઈ હોવા છતાં આજે પણ એટલી જ સંબંધિત (રિલેવન્ટ) છે. ‘સત્તા સામે દલીલ ચાલે નહીં’, ‘સત્તા આગળ શાણપણ નકામું’, આ કહેવતો એમ જ નથી સર્જાઈ. આપણે એકબીજાને સાંભળતા-સમજતા નથી, આપણે ‘પાવર ઓફ સ્પિચ’ની વાત કરીએ છીએ, કિંતુ આખરે તો જેની પાસે સત્તા અને શક્તિ છે તેનું જ ચાલે છે. આ વિષયમાં એક નાની કથામાં, એક ગામમાં કૂકડો રોજ સવારે મોટેથી કૂકડે કૂક કરે છે, તેથી એક બિલાડી તેના પર હુમલો કરીને કૂકડાને કહે છે, તું આમ રોજ સવારે કેમ અમારી ઊંઘ બગાડે છે? કૂકડો કહે, હું લોકોને જગાડવા માટે આમ કરું છું. કિંતુ ઊંઘ બગાડવાનો આક્ષેપ કરી બિલાડી કૂકડાને મારી નાંખે છે. ઈન શોર્ટ, સમજો તો આવી કથાઓમાં ઘણા ઈશારા છે, માણસને જાગવું નથી. જ્યાંસુધી માણસ જાગશે નહીં ત્યાંસુધી જગતમાં સાચી શાંતિ સ્થાપિત થશે નહી. આખરે તો સત્તાને સત્ય સાંભળવું ગમતું નથી.