કોસ્ટલ-રોડને લતા મંગેશકરનું નામ આપવાની પરિવારજનોની માગણી

મુંબઈઃ દંતકથાસમાન પાર્શ્વગાયિકા ભારત રત્ન લતા મંગેશકરનો આજે પ્રથમ સ્મૃતિદિન છે. લતાદીદીએ આ ફાની દુનિયામાંથી વિદાય લીધાંને આજે એક વર્ષ પૂરું થયું છે. દુનિયાભરમાં એમનાં પ્રશંસકો એમને સ્મરણાંજલિ આપી રહ્યાં છે. લતાજીનાં પરિવારજનોએ મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ એક માગણી રજૂ કરી છે. તેમણે કહ્યું છે કે મુંબઈમાં બની રહેલા કોસ્ટલ રોડને સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર નામ આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કોસ્ટલ રોડ મુંબઈના ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટોમાંનો એક છે. કોસ્ટલ રોડ મુંબઈને થાણે જિલ્લાના મીરા-ભાયંદર, પાલઘર જિલ્લાના વસઈ-વિરાર, નવી મુંબઈ ઉપરાંત થાણે શહેર, કલ્યાણ અને ભિવંડી શહેરો સાથે જોડશે. દક્ષિણ મુંબઈના પેડર રોડથી શરૂ થનારો આ કોસ્ટલ રોડ વર્સોવા (અંધેરી), દહિસર સુધી લંબાવવામાં આવશે. એ માટે આશરે રૂ. 9,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વર્સોવા-દહિસર કોસ્ટલ રોડનું કામ આ જ વર્ષમાં શરૂ થવાનું છે. તેનું અંતર આશરે 22 કિ.મી. હશે. તે રોડ તૈયાર થઈ જશે તે પછી વાહનચાલકો વર્સોવાથી દહિસર અમુક મિનિટોમાં જ પહોંચી શકશે, જે માટે હાલ એક કલાકથી વધારે સમય લાગે છે.