ફેશન ડિઝાઈનર અનિક્ષા 14-દિવસ અદાલતી કસ્ટડીમાં

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને ધમકી આપવા, લાંચ આપવા અને બ્લેકમેલ કરવાના કેસમાં પકડાયેલી ફેશન ડિઝાઈનર યુવતી અનિક્ષા જયસિંઘાનીને સ્થાનિક કોર્ટે 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મોકલી દીધી છે.

અમૃતા ફડણવીસે ગઈ 20 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગઈ 17 માર્ચે અનિક્ષાની ધરપકડ કરી હતી. અનિક્ષાનો પિતા અનિલ પડોશના થાણે જિલ્લાના ઉલ્હાસનગરનો શકમંદ બુકી છે. એની સામે પોલીસે 14-15 કેસ નોંધ્યા છે. પિતાને ક્રિમિનલ કેસોમાંથી બચાવવામાં વગ વાપરવા માટે અનિક્ષાએ અમૃતાને રૂ. 1 કરોડની લાંચની ઓફર કરી હોવાનો તેની પર આરોપ. તે ઉપરાંત એણે અમૃતા પાસે રૂ. 10 કરોડની ખંડણીની માગણી કરી હોવાનું પણ મનાય છે. કોર્ટે અનિક્ષાને પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ રાખવાની મંજૂરી આપી હતી. તે મુદત આજે પૂરી થતાં એને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. રીમાન્ડની મુદત લંબાવવાની પોલીસની વિનંતીનો એડિશનલ સેશન્સ જજ ડી.ડી. અલમાલેએ અસ્વીકાર કર્યો હતો.

અનિક્ષાએ આ સાથે જ જામીન પર છૂટવા માટે અરજી નોંધાવી દીધી છે. કોર્ટે જામીન અરજીનો પ્રત્યુત્તર નોંધાવવાનો મુંબઈ પોલીસને આદેશ આપ્યો છે અને આ મામલે 27 માર્ચે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.