મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈના પોલીસ અધિકારીઓને સ્વયંસંતુલિત ઈલેક્ટ્રિક સ્કૂટર (Segway) સ્કૂટર પૂરા પાડ્યા છે. પોલીસ અધિકારીઓ આ સેગવે સ્કૂટર પર સવાર થઈને દક્ષિણ મુંબઈના વરલી અને બાન્દ્રા (વેસ્ટ)ના કાર્ટર રોડ પર પેટ્રોલિંગ કરશે. આ વિદ્યુત સ્કૂટર્સ પોલીસ દળને સુપરત કરવા માટે ગયા શનિવારે બાન્દ્રા (વેસ્ટ)માં દરિયાકિનારા નજીક એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવૂડ સુપરસ્ટાર અક્ષયકુમાર પણ અતિથિના રૂપમાં ઉપસ્થિત રહ્યો હતો.
બાદમાં સેગવે સ્કૂટર પર અક્ષયકુમાર તથા મહારાષ્ટ્રના બે પ્રધાન પણ સવાર થયા હતા – ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે. અક્ષયે કહ્યું કે મુંબઈ પોલીસ દળ આધુનિક બન્યું છે એ જોઈને પોતે આનંદ અને ગર્વની લાગણી મહેસુસ કરે છે. બાદમાં અક્ષયે તથા મુંબઈના પોલીસ કમિશનર પરમબીરસિંહે ટ્વિટર પર આ સ્કૂટર-ઉદઘાટન સમારોહ વિશે ટ્વીટ પણ કર્યું હતું.