વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમી, અસ્મિતા ગુજરાતી અને રામજી આસર વિદ્યાલયે યોજ્યું કવિ સંમેલન

ગુજરાતી કાવ્ય નરસિંહ મહેતાના ‘ જાગ રે જાદવા’ થી આજનાં ‘ ગોતી લ્યો….તમે ગોતી લ્યો, ગોતી લ્યો ‘ સુધી પહોંચ્યું છે!

૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય  અકાદમી દ્વારા અસ્મિતા ગુજરાતી મુલુંડ અને રામજી આસર વિદ્યાલય વાડી ટ્રસ્ટના સહયોગથી  રામજી આસર વિદ્યાલયમાં કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જાણીતા કવિઓ સંદીપ ભાટિયા , મુકેશ જોષી, ભરત વ્યાસ , ચેતન ફ્રેમવાલા અને ચિંતન નાયકે કવિતાઓ, ગઝલોની ધુંઆધાર રજૂઆત કરી શ્રોતાઓને જકડી રાખ્યાં હતાં.

સોમૈયા કૉલેજ વિદ્યાવિહારની વિદ્યાર્થિની ધર્મી પાતાણીએ તરન્નુમમાં માતૃભાષા ગીત તથા એક ગઝલ ગાઈ માહોલ જમાવી દીધો હતો. યુવાન કવિ ચિંતન નાયકે અને ચેતન ફ્રેમવાલાએ ત્રણ ગઝલ‌ રજૂ કરી હતી. ઘણા વખતે જાહેર મંચ પરથી રજૂ થયેલા ગઝલકાર ભરત વ્યાસે કેટલીક ઉમદા ગઝલ રજૂ કરી શ્રોતાઓની જબરી દાદ મેળવી.

દોલત ખુદાએ દીધી
આ સમજી વિચારીને
મારા હૃદયના જખમોને
તું ના નજર લગાડ!

ત્યાર બાદ રજૂ થયેલા વરિષ્ઠ કવિ સંદીપ ભાટિયાએ મા વિશેનાં બે ગીતો રજૂ કર્યાં. સંદીપ ભાટિયાનો એમનાં જ મુક્તક દ્વારા પરિચય સંચાલકે આપ્યો…

શબ્દની ભોગળ ખૂલે છે, સાવધાન!
આપણાં પોકળ ખૂલે છે,
સાવધાન!
ચીર પૂરે એવું અહીંયા કોણ છે?
શબ્દની સાથળ ખૂલે છે સાવધાન!

કવિ મુકેશ જોષીએ કૃષ્ણ દવેનું એક કાવ્ય અને પોતાનાં બે કાવ્યો રજૂ કર્યાં.‌ એમનો પરિચય પણ એમનાં ગીત ” એક ગમતીલું ગામ ….” ગીત દ્વારા અપાયો.

શરૂઆતમાં રામજી આસર વિદ્યાલયના ધોરણ પાંચના બે વિદ્યાર્થીઓ કેવલ લિંબડ અને જૈની પટેલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના ચારણ કન્યા રજૂ કરી શ્રોતાઓની અઢળક દાદ મેળવી હતી. પ્રાથમિક વિભાગની બે વિદ્યાર્થીનીઓ નિશી પટેલ અને અંકિતા ચૌરસિયાએ કવિ સાંઈરામ દવેની રચના લીલા શાકભાજી રજૂ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં કવિ સંજય પંડ્યાએ માતૃભાષાને લગતા અનેક પ્રસંગો ટાંકી વાતાવરણ જીવંત રાખ્યું હતું.

ગુજરાતી કાવ્ય ‘જાગને જાદવા’થી ‘ ગોતી લ્યો…..તમે ગોતી લ્યો, ગોતી લ્યો ‘ સુધી પહોંચ્યું છે એવું એમણે વિધાન કર્યું હતું. ‘ ગોતી લ્યો..’ ગીતના ઉલ્લેખથી શ્રોતાઓ રોમાંચિત થઈ ગયાં હતાં. સંચાલકે બે કિશોરીઓને મંચ પર બોલાવી એ ગીત ગવડાવ્યું તો ૨૦૦ જેટલાં શ્રોતાઓએ સાથે ગાન કર્યું.

સંચાલક સંજય પંડ્યાએ પોતાના બે ત્રણ દોહા પણ આજનાં પ્રચલિત સ્વરાંકનમાં ગાઈ સંભળાવ્યાં હતાં અને શ્રોતાઓએ સાથે તાલ આપ્યો હતો. એમણે શ્રોતાઓ તથા વિદ્યાર્થીઓને ભાષાના ‘ બ્રાન્ડ એમ્બેસેડર ‘ કહ્યાં હતાં અને જણાવ્યું હતું કે નવી પેઢીને ગુજરાતી ભાષા અને સાહિત્યથી પરિચિત કરાવવાની આપણી સહુની જવાબદારી છે.

શરૂઆતમાં સહુનું સ્વાગત રામજી આસર વિદ્યાલય ગુજરાતી શાળાનાં આચાર્યા શ્રીમતી ભાવના કકકડે કર્યું હતું. એમનાં ૭૦/૮૦ જેટલાં વિદ્યાર્થીઓ પણ કાવ્યો સાંભળવા બેઠાં હતાં.અસ્મિતા ગુજરાતીના દિલીપ દોશીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

શાળાનાં શિક્ષકો, સેક્રેટરી દીપકભાઈ વસા, ગઝલકાર રાજેશ હિંગુ, સ્વામી વિઠ્ઠલ,જૈન મહિલા મંડળના નીલુબહેન, કલાગુર્જરીના વિનયભાઈ પાઠક , ગાયિકા દર્શના પુરોહિત, ગાયક સ્વરકાર કાનજીભાઈ ગોઠી વગેરે શ્રોતાઓએ પણ કાર્યક્રમ માણ્યો હતો .પારુબહેન તથા સુપર્ણાબહેને વિશેષ સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમનું સંકલન કવિ હિતેન આનંદપરાએ કર્યું હતું.

વર્ષના એક દિવસ માટે નહિ પણ સતત ૩૬૫ દિવસ માતૃભાષા હૃદયમાં રહેવી જોઈએ એવો સંદેશ લઈને સહુ છૂટાં પડ્યાં હતાં.