SNDT યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી

21 ફેબ્રુઆરીએ “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. મુંબઈમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન અંતર્ગત પણ “વિશ્વ માતૃભાષા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા ગુજરાત પર, ગુજરાતી ભાષા પર અને ગુજરાતી સાહિત્યમાં લખાયેલ ઉત્તમ ગદ્ય-પદ્ય સાહિત્યિક અને સર્જનાત્મક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

માતૃભાષા ગુજરાતી હોવાના ગર્વની અનુભુતિ કરવાના આ અવસર પર આપણી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડૉ. દિનકર જોશી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમમાં 1870 થી આજ સુધી લખાયેલ અને રણછોડભાઈ ઉદયરામ, દલપતરામ, નર્મદ, ન્હાનાલાલ, ગાંધીજી, ઉમાશંકર જોશીથી શરૂ કરી સિતાંશુ યશશ્ચંદ્ર, વિનોદ જોશી, સંજુ વાળા, કૃષ્ણ દવેથી આજ સુધીનાં સર્જકોની ઉત્તમ કૃતિઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર વિદ્યાર્થિની બહેનોઓ રજૂઆત કરી કાર્યક્રમને અવસરમાં ફેરવ્યો હતો. આ વિદ્યાર્થીનીઓમાં ગોપી શાહ, શીતલ ઠાકર, અનિષા ગાંધી, અલ્પા દેસાઈ, ફાલ્ગુની વોરા, જીજ્ઞા જોશી, રૂપાલી શાહ, ઇન્દ્રાવતી ઝાલા, મોના દેસાઈ, જયના શર્મા, ઉર્વી ખીમસીયા, શીતલ રાઠોડ, સોનલ ગોરડિયા, અનિતા ભાનુશાલી, ભારતી શાહ સહિતની બહેનાઓ ગુજરાતી ભાષાની ગાથા ગાઈ હતી. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય અનુલક્ષી કૃતિઓની ભાવનાત્મક પ્રસ્તુતિથી બહેનોએ લોકોના દિલ જીતી લીધા હતાં. ગુજરાતના ગૌરવ સમા કવિઓ અને લેખકોની અદ્ભુત કૃતિઓની રજૂઆતને લોકોએ કાર્યક્રમને માણ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંયોજન વિભાગનાં અધ્યક્ષ પ્રૉ. દર્શના ઓઝા અને કવિત પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગના અંજલિ બહેને પુરતો સહયોગ આપ્યો હતો. એસએનડીટીના ગુજરાતી વિભાગે આ કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો.તેમજ આ ખાસ અવસરે બે વિદ્યાર્થીની બહેનોના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થિની રૂપાલી શાહનાં પ્રથમ પુસ્તક ‘સમાજ એક – સ્વરૂપ અનેક’નું તથા વિદ્યાર્થિની કાજલ શાહનાં પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઊતરી આવી છે હેલી…’નું વિમોચન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અનુસ્નાતક ગુજરાતી વિભાગની વિદ્યાર્થિની બહેનો દ્વારા દર ત્રણ મહિને પ્રકાશિત થતાં ‘સિસૃક્ષા’ સામયિક અંક-7નું ડૉ. દિનકર જોશીનાં શુભ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.