કોરોના સામે લડવા મહારાષ્ટ્રએ કેન્દ્ર પાસે 25,000 કરોડનું આર્થિક પેકેજ માગ્યું

મુંબઈઃ જીવલેણ એવા કોરોના વાઈરસના રોગચાળામાં મહારાષ્ટ્રમાં 198 જણ ફસાયા છે. એમાંથી 25 સાજા થઈ ચૂક્યા છે જ્યારે 8 જણે જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે કહ્યું છે કે, વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન લાગુ કરવાથી અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. તેથી કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને તાત્કાલિક રીતે 25,000 કરોડનું આર્થિક પેકેજ આપે.

અજિત પવાર રાજ્યના નાણાં પ્રધાન પણ છે.

પવારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને કેન્દ્રીય પર્યાવરણ, ક્લાયમેટ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને મહારાષ્ટ્રને તાત્કાલિક રીતે આર્થિક પેકેજ આપવાની વિનંતી કરી છે.

ભારતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 1,251 છે. 102 જણ સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 32 જણના મરણ થઈ ચૂક્યા છે.