મુંબઈ હાઈકોર્ટે મંજૂરી આપીઃ BEST કંપની જૂન-અંત સુધીમાં 20 ઈલેક્ટ્રિક બસો દોડાવશે

મુંબઈ – મહાનગરપાલિકા સંચાલિત બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કંપની આવતા જૂન મહિનાનાં અંત સુધીમાં મુંબઈમાં 20 ઈલેક્ટ્રિક બસો દોડાવતી થાય એવી ધારણા છે. આવી બસો મેળવવાની BESTને મુંબઈ હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે.

80 ઈલેક્ટ્રિક બસો વેટ લીઝ પર મેળવવાની BESTને હાઈકોર્ટે મંજૂરી આપી છે.

BESTના જનરલ મેનેજર સુરેન્દ્રકુમાર બાગડેએ કહ્યું છે કે અમે ઈલેક્ટ્રિક બસો માટેનો ઓર્ડર આપી દીધો છે. અમને એમાંની 25 ટકા બસો ત્રણ મહિનામાં મળી જવાની અને બાકીની છ મહિનામાં મળી જવાની ધારણા છે.

80 ઈલેક્ટ્રિક બસો માટેનો અંદાજિત ખર્ચ આશરે રૂ. 90 કરોડ છે. આ માટે BESTને હેવી ઈન્ડસ્ટ્રીઝ વિભાગ તરફથી રૂ. 54 કરોડની સબ્સિડી મળશે. હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા અને એનું ઉત્પાદન કરવાની યોજના ઝડપથી શરૂ કરવા બદલ BESTને આ સબ્સિડી મળશે.

બાકીના રૂ. 36 કરોડની રકમ બસોનાં વેટ લીઝિંગ મારફત મેળવાશે. એમાં, એક કોન્ટ્રાક્ટર પસંદ નિયુક્ત કરવામાં આવશે જે આ બસોને દોડાવશે. આ બસો માટે એ કોન્ટ્રાક્ટર જ ડ્રાઈવરો પૂરા પાડશે.

હાલ BEST કંપની પાસે 6 ઈલેક્ટ્રિક મિની બસો છે. આ બસો સિંગલ ફેરીમાં 200 કિ.મી.નું અંતર કવર કરે છે અને 31 પ્રવાસીઓને પ્રવાસ કરાવે છે.

અધિકારીઓનું કહેવું છે કે ઈલેક્ટ્રિક બસો પાછળનો ખર્ચ આશરે રૂ. 9 પ્રતિ કિલોમીટર છે, જે સીએનજી અને ડિઝલ સંચાલિત બસો પાછળ થતા ખર્ચથી ઘણો ઓછો છે.

બેસ્ટ વહીવટીતંત્રએ 64 સિંગલ ડેકર બસોને માત્ર રૂ. 2.35 કરોડમાં ભંગારમાં કાઢી નાખી હતી. એને કારણે BEST કમિટીની બેઠકમાં સંબંધિત અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. એ રકમ બહુ ઓછી આવી હોવાની દલીલ થઈ છે.

BEST કંપની છેલ્લા અનેક વર્ષોથી સતત ખોટ કરી રહી છે. હાલ એની પાસે 3,300 બસોનો કાફલો છે. વર્ષ 2020 સુધીમાં આ કાફલો વધારીને 4,050 બસનો કરવાનું એણે નિર્ધાર્યું છે.