શિવસેનાનાં સમર્થનવાળા યુનિયનની આગેવાની હેઠળ જેટ એરવેઝનાં સ્ટાફે મુંબઈમાં દેખાવો કર્યા

મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારમાં ભાગીદાર શિવસેના પાર્ટીના સમર્થનવાળા યુનિયનની આગેવાની હેઠળ જેટ એરવેઝના કર્મચારીઓએ આજે અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.

ભારતીય કામગાર સેના (બીકેએસ), જે શિવસેનાની ટ્રેડ યુનિયન પાંખ છે, એની આગેવાની હેઠળ જેટ એરવેઝના સ્ટાફે આજે અહીં દેખાવો કર્યા હતા અને આ એરલાઈનને નડી રહેલી આર્થિક કટોકટી દૂર કરવા માટે હસ્તક્ષેપ કરવાની સરકારને વિનંતી કરી છે.

બીકેએસ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જો જેટ એરવેઝની આર્થિક કટોકટીનો ઉકેલ લાવવામાં નહીં આવે તો એ મુંબઈ એરપોર્ટને બંધ કરાવશે.

જેટ એરવેઝ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એરલાઈન છે. એણે તેના લેણદારો પાસેથી તાકીદનું ભંડોળ ન મળતાં ગઈ 17 એપ્રિલથી તેની તમામ વિમાન સેવાને બેમુદત સ્થગિત કરી દીધી છે. જૂટે એના 20 હજાર જેટલા કર્મચારીઓને ગયા વર્ષના ડિસેંબરથી પગાર ચૂકવ્યો નથી. હવે તો વિમાન સેવા પણ સ્થગિત કરી દીધી હોવાથી જેટ એરવેઝની આર્થિક સ્થિતિ વધારે કફોડી બની છે.

બીકેએસનું કહેવું છે કે જેટ એરવેઝના કેબિન ક્રૂ, એન્જિનીયરિંગ સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફ સહિત આશરે 10 હજાર કર્મચારીઓએ આજે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ના લેવલ-4 ખાતે દેખાવો કર્યા હતા. એ વખતે પોલીસનો અત્યંત બંદોબસ્ત જોવા મળ્યો હતો.

શિવસેનાનાં સમર્થનવાળા આ યુનિયને સરકારને અપીલ કરી છે કે દેવામાં ડૂબી ગયેલી જેટ એરવેઝને આર્થિક રીતે મદદ કરવાની તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ફરજ પાડે, કારણ કે બેન્કે એવી ખાતરી આપી હતી કે જો નરેશ ગોયલ જેટ એરવેઝના ચેરમેનપદેથી રાજીનામું આપી દેશે તો એ જેટને આર્થિક મદદ કરશે, પરંતુ ગોયલે રાજીનામું આપી દીધું હોવા છતાં બેન્ક મદદ કરતી નથી.

બીકેએસના મહામંત્રી સંતોષ ચાળકેએ કહ્યું છે કે જેટ એરવેઝ કંપની પુનર્જિવીત થાય એવું અમે ઈચ્છીએ છીએ અને તમામ કર્મચારીઓનાં બાકી રહેલા પગાર ચૂકવી દેવામાં આવે. હરાજીની પ્રક્રિયામાં સકારાત્મક પરિણામ આવશે એવી અમને આશા છે, પરંતુ જો નહીં આવે તો અમે મોટા દેખાવો કરીશું અને મુંબઈ એરપોર્ટને બંધ કરી દઈશું.

સંદિપકુમાર દુબે નામના એક કર્મચારીએ કહ્યું કે અમને છેલ્લા 3-4 મહિનાથી પગાર નથી મળ્યો, અમને ખૂબ જ તકલીફ પડી રહી છે.

દયાલ શાહદેવ નામના એક અન્ય કર્મચારીએ કહ્યું કે સરકાર અથવા કોઈ અન્ય સત્તાધારી સંસ્થાએ જેટ એરવેઝને પુનર્જિવીત કરવામાં મદદ કરવી જોઈએ, જેથી એ લોકોની સેવા બજાવી શકે. અમે ઈચ્છીએ છીએ કે જેટ એરવેઝ માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં બેસ્ટ એરલાઈન બને. એ માટે ટેકાની જરૂર છે.