મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભાની આ વખતની ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે, કારણ કે ઠાકરે પરિવારમાંથી પહેલી જ વાર એક સભ્યએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મોટા પુત્ર અને પક્ષના સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરેએ આજે અહીં પક્ષની એક સભામાં જાહેરાત કરી દીધી છે કે પોતે ચૂંટણી લડશે. એમણે કહ્યું કે પોતે મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાંથી ચૂંટણી લડશે.
મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે ચૂંટણી છે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે.
આદિત્ય ઠાકરે શિવસેનાની યુવા પાંખના પ્રમુખ છે. એમણે ચૂંટણી લડવાની જાહેરાત વરલી વિસ્તારના લાલા લજપતરાય મહાવિદ્યાલયમાં આયોજિત શિવસેનાની ‘સંકલ્પ સભા’માં કરી હતી. આ જાહેરાત થતાં વરલી મતવિસ્તારમાંથી ગઈ વેળાની – 2014ની ચૂંટણીમાં વિજયી થયેલા શિવસેનાના વિધાનસભ્ય સુનીલ શિંદે આદિત્ય માટે પોતાની બેઠક ખાલી કરશે.
સભામાં આદિત્યએ કહ્યું કે મને મારી જીતનો વિશ્વાસ છે, કારણ કે મને આપ સહુના આશીર્વાદ મળ્યા છે.
શિવસેના માટે વરલી સૌથી સુરક્ષિત મતવિસ્તાર ગણાય છે એટલે જ આદિત્યની ઉમેદવારી માટે આ બેઠક પંસદ કરવામાં આવી છે.
આ જ બેઠક પરથી 2014ની ચૂંટણીમાં સુનીલ શિંદે સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સચીન અહિર હારી ગયા હતા. હવે અહિર શિવસેનામાં જોડાઈ ગયા છે.
બાળાસાહેબ ઠાકરેએ 1966માં શિવસેનાની સ્થાપના કરી હતી ત્યારથી એ પોતે કે એમના પરિવારનું કોઈ પણ સભ્ય ચૂંટણી લડ્યું નથી કે કોઈ પણ બંધારણીય હોદ્દો પણ ગ્રહણ કર્યો નથી.
ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પણ બાદમાં એમણે પોતાનો વિચાર માંડી વાળ્યો હતો.
કહેવાય છે કે જો આગામી ચૂંટણીમાં શિવસેના સૌથી વધારે બેઠક જીતશે તો આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે.
ઉદ્ધવ ઠાકરેએ ગયા શનિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એમણે તેમના પિતા સ્વ. બાલ ઠાકરેને વચન આપ્યું હતું કે પોતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે કોઈક શિવસૈનિકને જરૂર નિયુક્ત કરશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના ભાગીદાર પક્ષ ભારતીય જનતા પાર્ટીએ વારંવાર કહે છે કે ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનશે અને દેવેન્દ્ર ફડણવીસ જ ફરી મુખ્ય પ્રધાન બનશે.
આદિત્ય ઠાકરેએ ગયા જુલાઈમાં મહારાષ્ટ્રભરમાં જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી જેમાં તેમણે ગઈ વેળાની લોકસભા ચૂંટણીમાં શિવસેનાને આપેલા ટેકા બદલ મતદારોનો આભાર માન્યો હતો અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ટેકો આપવાની અપીલ કરી હતી.
2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ અલગ રીતે ચૂંટણી લડ્યા હતા, પણ બાદમાં બંનેએ સાથે મળીને સત્તા ગ્રહણ કરી હતી. 288-બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 260 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 122માં જીત મેળવી હતી. શિવસેનાએ 282 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 63 બેઠક જીતી હતી.
ભાજપે 2014ના ઓક્ટોબરમાં સરકાર રચી ત્યારબાદ ડિસેંબરમાં શિવસેના તેની સાથે જોડાઈ હતી.