સોગંદનામાનો કેસઃ ફડણવીસને હાઈકોર્ટે આપેલી ક્લીન ચિટ સુપ્રીમ કોર્ટે રદબાતલ કરી

મુંબઈ – કથિતપણે ખોટું ચૂંટણી સોગંદનામું કોર્ટમાં નોંધાવવાના કેસમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટ્રાયલ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટે આપેલી ક્લીન ચિટને સુપ્રીમ કોર્ટે આજે રદબાતલ જાહેર કરી છે. આને કારણે ફડણવીસ સામે કોર્ટ કાર્યવાહી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. 21મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ફડણવીસ અને એમની ભારતીય જનતા પાર્ટી માટે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય મોટા ફટકાસમાન ગણવામાં આવે છે.

દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિઓ દીપક ગુપ્તા અને અનિરુદ્ધ બોઝની બેન્ચે જણાવ્યું છે કે ખોટા સોગંદનામાના કેસમાં ફડણવીસને આપવામાં આવેલી ક્લીન ચિટ કાયદાની દ્રષ્ટિએ ટકી શકે એમ નથી તેથી એને રદ કરવામાં આવે છે.

ફરિયાદી અરજદાર છે સતીષ કે. ઉઈકે. એમણે એવો આક્ષેપ કર્યો છે કે ફડણવીસે 2014માં એમનું ચૂંટણી સોગંદનામું નોંધાવ્યું હતું. એમાં તેમણે એ જણાવ્યું નહોતું કે એમની સામે બે ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે કે સતીષ ઉઈકેએ નોંધાવેલી ફરિયાદ પર તે નવેસરથી ધ્યાન આપે.

અરજદારે એવી દલીલ કરી હતી કે ચૂંટણીના કાયદા મુજબ ચૂંટણી ઉમેદવારે બધી જ માહિતી સોગંદનામામાં ઘોષિત કરવી જોઈએ. પણ ફડણવીસે એમની સામેના બે પેન્ડિંગ રહેલા ક્રિમિનલ કેસ વિશેની જાણકારી આપી નહોતી જેથી તે કાયદાના ઉલ્લંઘન સમાન છે અને ગુનો બને છે.

આ બે કેસ કથિતપણે છેતરપીંડી અને બનાવટના છે, જે ફડણવીસ સામે 1996 અને 1998માં નોંધવામાં આવ્યા હતા, પરંતુ એમની સામે આરોપ ઘડવામાં આવ્યા નહોતા.

ખોટું સોગંદનામું નોંધાવવા બદલ ગુનેગાર સામે સજા અને દંડની જોગવાઈ છે. જો કોઈ ચૂંટણી ઉમેદવાર કે એનો પ્રપોઝર એના ઉમેદવારીપત્રમાં એની સામે કોઈ ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોવા જેવી કોઈ માહિતી છૂપાવે, પૂરી પાડવામાં નિષ્ફળ જાય કે ખોટી માહિતી આપે તો એને છ મહિનાની જેલની સજા અથવા દંડ અથવા બંને ફટકારવાની જોગવાઈ છે.

ભાજપે ચૂંટણી માટે તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. 125 ઉમેદવારોમાં ફડણવીસનું પણ નામ છે. એ નાગપુર સાઉથ-વેસ્ટ બેઠક પરથી ચૂંટણી લડશે.

ભાજપે ફડણવીસ સહિત 52 વર્તમાન વિધાનસભ્યોને ફરી ટિકિટ આપી છે.

સુપ્રીમ કોર્ટમાં કેસની કાર્યવાહી દરમિયાન ફડણવીસ વતી હાજર થયા હતા મુકુલ રોહતગી. એમણે કોર્ટને કહ્યું હતું કે સોગંદનામામાં વિગત છુપાવવા બદલ ચૂંટણી રદ કરવાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને હવે સવાલ એ છે કે ફડણવીસ પર કેસ ચલાવવો જોઈએ કે નહીં.

કોર્ટે કહ્યું કે સ્પષ્ટપણે કહીએ તો મામલો એ છે કે ફડણવીસે કેસની કાર્યવાહી વિશેની વિગત આપવી જોઈતી હતી, જે તેમણે આપી નહોતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]