“BSE સેન્સેક્સ નેક્સ્ટ 30’’ નામે નવો ઇન્ડેકસ લોન્ચ કરાયો

મુંબઈઃ BSE (બોમ્બે સ્ટોક એકસચેંજ) લિ.ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી એશિયા ઈન્ડેક્સ પ્રા. લિ.એ વધુ એક નવો ઈન્ડેક્સ BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 લોન્ચ કર્યો છે.  BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 BSE 100 ઈન્ડેક્સમાંની સેન્સેક્સ સિવાયની મોટી કંપનીઓની કામગીરીને ટ્રેક કરે છે. રોકાણકારોને બજારની અગ્રણી કંપનીઓના આગામી સેટના વિકાસનો લાભ આ ઈન્ડેક્સ મારફત મળી રહેશે.આ ઈન્ડેક્સ લોન્ચ કરતાં એશિયા ઈન્ડેક્સ પ્રા.લિ.ના એમડી આશુતોષ સિંહે કહ્યું હતું કે BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોને આકર્ષશે, કારણ કે તે પ્રવાહિતા, નીચી ઇમ્પેક્ટ કોસ્ટ, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આદિ ફીચર્સ ધરાવે છે. આ પ્રસંગે BSEના MD-(મેનેજિગ ડિરેકટર) અને CEO (ચીફ એકિઝક્યુટિવ ઓફિસર) સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે પ્રોડક્ટ ઇનોવેશનમાં હંમેશાં ગ્રાહકોની પસંદ અગ્રસ્થાને રહેશે. એસેટ મેનેજરોની જરૂરિયાતો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું કામ કરવાનું બાકી છે, એમાંનું આ એક છે.  કોટક એસેટ મેનેજમેન્ટના MD નીલેશ શાહે આ પ્રસંગે કહ્યું હતું કે આ પ્રકારના  વધુ સંબંધિત ઈન્ડાયસિસની મૂડીબજારને હજી આવશ્યકતા છે, આ ઈન્ડેક્સને બેન્ચમાર્ક ગણી એસેટ મેનેજરો તેમના પરોક્ષ બજાર વ્યૂહો આગળ ધપાવી શકશે.

આ ઇન્ડેક્સમાં નાણાકીય સેવાઓ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ઊર્જા, કોમોડિટીઝ, હેલ્થકેર, ઉદ્યોગો, ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને યુટિલિટીઝ જેવાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે. વધુમાં, એવી જ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ BSEમાં ઉપલબ્ધ છે. BSE સેન્સેક્સ નેક્સ્ટ 30ની ફર્સ્ટ વેલ્યુ ડેટ 20 જૂન, 2014 છે અને વેલ્યુ 10,000 છે. આ ઈન્ડેક્સની અર્ધવાર્ષિક ધોરણે સમીક્ષા કરાશે.