મુંબઈઃ આ વખતે ચોમાસાની ઋતુમાં ઓગસ્ટ મહિનો આખો કોરો ગયો અને સપ્ટેમ્બરમાં જો પૂરતો વરસાદ નહીં પડે તો શહેરમાં ફરીથી પાણીકાપ લાગુ થવાની શક્યતા છે. મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયો – મોડક સાગર, મધ્ય વૈતરણા, અપર વૈતરણા, ભાતસા, તાનસા, વિહાર અને તુલસીમાં જમા થયેલા પાણીના સંગ્રહ વિશે આવતી 15 સપ્ટેમ્બર સુધીમાં સરવૈયું કરવામાં આવશે. જો 90 ટકાથી ઓછો સંગ્રહ થયો હશે તો મહાનગરપાલિકા મુંબઈના નાગરિકો પર 10થી 20 ટકા પાણીકાપ લાદે એવી સંભાવના છે.
દર વર્ષે ઓક્ટોબર મહિનામાં સાતેય જળાશયોમાં પાણી પુરવઠાનું સરવૈયું કરવામાં આવે છે. આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે અને જળાશયોમાં દોઢ મહિના જેટલું ઓછું પાણી આવ્યું છે. 90.69 ટકા પાણી જમા થયું છે. આટલું પાણી વર્ષ 2024 સુધી મુંબઈવાસીઓની તરસ છીપાવી શકશે. આ વર્ષે જૂન મહિનામાં વરસાદ ઓછો પડતાં મહાનગરપાલિકાએ 1 જુલાઈથી 10 ટકા પાણીકાપ લાગુ કર્યો હતો. ત્યારબાદ જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદને કારણે જળાશયોમાં ખૂબ પાણી એકત્ર થતાં મહાપાલિકાએ 8 ઓગસ્ટથી પાણીકાપ દૂર કર્યો હતો, પરંતુ હવે ઓગસ્ટ મહિનો સાવ કોરો જતાં પાણીની ચિંતા ફરી ઊભી થઈ છે.