મુંબઈઃ કેફી પદાર્થો/નશીલી દવાઓ-દ્રવ્યોને દાણચોરીપૂર્વક મુંબઈમાં ઘૂસાડવાના ગુનેગારો વિરુદ્ધ મુંબઈ પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના કાંદિવલી એકમના અધિકારીઓએ ડ્રગ્સના બે દાણચોરોને પકડ્યા છે અને એમની પાસેથી કુલ 47 કિલોનો ગાંજો કબજે કર્યો છે. આ સાથે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં પકડાયેલા ડ્રગ્સના દાણચોરોની સંખ્યા 22 પર પહોંચી છે. આ દાણચોરો સગીર વયનાં બાળકોને ડ્રગ્સનાં વ્યસની બનાવી દેવાના અધમ કૃત્યો કરતા હતા.
કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પણ આવા દાણચોરો વિરુદ્ધ ઉગ્રપણે કાર્યવાહી કરી રહી છે. તેના અધિકારીઓએ ઝાકીર હુસેન અબ્દુલ શેખ ઉર્ફે બાબુ પટરી નામના એક ખતરનાક ડ્રગ સપ્લાયરની ધરપકડ કરી છે.