મુંબઈ – પડોશના થાણે જિલ્લામાં 100 જેટલા રસોઈયાઓએ ભેગા થઈને 12 કલાકમાં 25,000 બટાટાવડા બનાવ્યા હતા.
આ રસોઈયાઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ કામગીરી બજાવી હતી.
આ કાર્યક્રમનું આયોજન થાણે જિલ્લાના ડોંબિવલી શહેરમાં ગયા શનિવારે કરવામાં આવ્યું હતું.
બટાટાવડા મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લોકપ્રિય નાસ્તાની આઈટમ છે. બટાટાવડા સાથે પાવ, લીલા મરચાં, કોથમીર, આદુ, લસણ મિશ્રિત તીખી ચટણી કે લસણ-લાલ મરચાંની સૂકી ચટણી કે ગોળ-ખજૂરવાળી મીઠી ચટણી અથવા સોસ-કેચઅપ લોકોનો ફેવરિટ નાસ્તો છે અને એની મજા કંઈ ઓર જ હોય છે. આ નાસ્તો મુંબઈમાં સવારથી લઈને મોડી રાત સુધી ઠેકઠેકાણે ઉપલબ્ધ હોય છે. રેલવે સ્ટેશનોના સ્ટોલ્સ ઉપર તો ચોક્કસ મળી રહે.
ડોંબિવલીના કાર્યક્રમનું આયોજન કરનાર મુખ્ય રસોઈયા સત્યેન્દ્ર જોગે કહ્યું કે બટાટાવડાને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ વખતે લિમકા બૂક ઓફ રેકોર્ડ્સ સંસ્થાના અધિકારીઓ પણ હાજર હતા. આ કાર્યક્રમથી વર્લ્ડ રેકોર્ડ બન્યો છે કે નહીં અને લિમકા બુકમાં આને સ્થાન મળી શકે છે કે નહીં એ વિશે અધિકારીઓ ટૂંક સમયમાં જ એમનો નિર્ણય જાહેર કરશે.
100 જેટલા રસોઈયાઓએ સવારે 10 વાગ્યાથી શરૂ કરીને રાતે 10 વાગ્યા સુધીમાં 25 હજાર બટાટાવડા બનાવ્યા હતા. એ માટે 1,500 કિલોગ્રામ બટાટા, 500 લિટર તેલ અને 350 કિલોગ્રામ ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના આયોજન માટે રૂ. 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.