મુંબઈ: લેખિકા મીનાક્ષી દીક્ષિતની પૂણ્યતિથિ નિમિત્તે કરાયું વિશેષ કાર્યક્રમનું આયોજન

મુંબઈ ખાતે ‘મને સાંભરે રે (બાળપણના ખાટાં, મીઠાં અને તૂરાં સંસ્મરણો)’નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત કલાપ્રેમીઓની હાજરીમાં લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના બે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમની ત્રણ દીકરીઓ મિતા, સૌમ્યા અને પૂર્વીબહેને કંઈક વિશિષ્ટ આયોજન કરવાનું વિચાર્યુ અને કેઈએસ ગુજરાતી ભાષાભવન ખાતે ઝરૂખો અને લેખિની દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મીનાક્ષીબહેનના બે પુસ્તકો ‘અંજની,તને યાદ છે?’અને ‘ઘેરે ઘેર લીલાલહેર’પુસ્તકોની પ્રકાશક આર.આર શેઠની કંપની દ્વારા બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ અને એનું સહુ મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.

લેખિકા મીનાક્ષી દીક્ષિતની લેખનશૈલી સરળ છે, એમાં સાદી વાતો છે છતાં રસ પડે છે કેમકે એમાં સત્વ મળે છે. કોઈ જાતનો ભાર નથી લાગતો. હળવાશ અનુભવાય છે.પ્રસંગમાં છેલ્લે એકાદ ચોટ આવે છે જ્યાં તત્વજ્ઞાન પણ મળે છે. આ સ્મૃતિકથા નથી સંસ્કારની કથા છે, એવું નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીએ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આ વાત કરી હતી. તેમણે ઉમેર્યું,’હું નથી માનતો કે સંસ્મરણો પતંગિયા જેવાં છે. સંસ્મરણો સંસ્કારગત છે. આપણે બધાં જ એ જીવ્યાં છીએ અને માણી શકીએ છીએ. જેઓ મીનાક્ષીબેનને નથી મળ્યાં એને પણ આ પુસ્તકો વાંચતાં તેઓ મળ્યાં હોય એટલો આનંદ થશે.’

વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ બાળપણનો સાચું અને જૂઠું શું એ વિષયક પ્રસંગ ટાંકી જણાવ્યું હતું કે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ નથી મળતા.’ક્યારેક જૂઠું બોલવું પડે ‘કહેનારી માસી સાચી કે સત્યના આગ્રહી ગાંધીજી સાચા એ 88 વર્ષે પણ હું સમજી શક્યો નથી. જીવન ઘણા રસથી ખાટાં તૂરાં એવા અનેક રસથી પરિચિત કરાવે છે.

‘મને સાંભરે રે ‘ એ વિષય લઈને ત્રણ વિદુષીઓએ વક્તવ્ય આપ્યાં. વરિષ્ઠ અભિનેત્રી મીનળબહેન પટેલે બાળપણનાં સ્મરણોને યાદ કરતાં કહ્યું,” મારાં એક ફોઈ હતાં.દર વર્ષે આવે ને દરિયા કિનારે બંગલો લઈને રહે.મારા પપ્પા અમને લઈને જાય.હું એક દિવસ પાછલે બારણે ગઈ દરવાજો ખોલ્યો તો સામે દરિયો એ જોઈ દોડતી આવીને કહ્યું..પ્રલય થયો. પ્રલય થયો. ચાર વર્ષની છોકરીને દરિયો શું એ ખબર ન હતી પણ પ્રલય શું છે એ ખબર હતી.” વધુમાં તેમણે કહ્યું મા અમને બધા જ શ્લોક શીખવે. એને કારણે મને ફાયદો એ થયો કે મને બધાં જ છંદ આવડતા. કોલેજમાં કમરખ અને શેતુરનાં ઝાડ હતાં. એમાંથી જાતે તોડીને શેતુર અને જમરૂખ ખાઈએ. પેટમાં દુખે એટલે ઘરનાં સમજી જાય કે કાચાં જમરૂખ ખાધાં છે. પહેલાં બીજામાં ભણતી હતી ત્યારે પહેલું નાટક કર્યું હતું.એસેમ્બલીમાં ગાવા પપ્પાએ એક ગીત લખી આપ્યું હતું. તેમજ તેમણે બલીબલી જાયે જશુમતી મૈયા ગીતનો રાજકપુરે સત્યમ્ શિવમ્ સુંદરમ્ ફિલ્મમાં નિનુભાઈને ક્રેડિટ આપ્યા વગર ઉપયોગ કર્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ડૉ. કલ્પના દવેએ બાળપણાંને યાદ કરતાં કેટલાક કિસ્સાઓ શેર કર્યો તો જન્મભૂમિમાં દાયકાઓ સુધી પત્રકાર,પૂર્તિ સંપાદક રહી ચૂકેલાં તરુબેન કજારિયાએ પણ બાળપણની યાદો તાજી કરી. સૂત્રધાર કવિ સંજય પંડ્યાએ કાર્યક્રમની રસપ્રદ ભૂમિકા માંડી મીનાક્ષી દીક્ષિતના બાળપણનો પ્રસંગ રજૂ કર્યો હતો. તેમજ તેમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. શીઘ્ર કવિ,ચિંતક તથા કેઈએસના પ્રેસિડેન્ટ મહેશ શાહે પણ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી. કવયિત્રી તથા લેખિની પ્રમુખ પ્રીતિ જરીવાળાએ મીનાક્ષીબેનના પુસ્તક ‘અંજની તને યાદ છે.’માંથી થોડાક વિવિધ રસનાં અંશો આરોહ અવરોહ સાથે રજૂ કર્યા. કવિ, નાટ્યલેખક, અદાકાર દિલીપ રાવલે એમનો સ્વરચિત હાસ્યનિબંધ ‘હળદરની હોળી અને ઓસામણની પિચકારી’ રજૂ કર્યો. કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મીનાક્ષીબેનના હળવા નિબંધના પુસ્તક ‘ ઘેરે ઘેર લીલા લહેર ‘માંથી ડાયટિંગને લગતા અંશની મજા પડે એવી વાતો ટાંકી. મીનાક્ષીબહેનની વખણાયેલી વાર્તા ‘હીંચકો’ પરથી યુવા નાટ્ય કલાકાર પ્રીતા પંડ્યાએ લખેલી તેમજ ડિરેક્ટ કરેલી એકોક્તિ ‘હીંચકો’ વાર્તાકાર ગીતાબેન ત્રિવેદીએ સુંદર અભિનય સાથે રજૂ કરી.

કાર્યક્રમના આરંભે મીનાક્ષીબહેનનાં દીકરી મિતા દીક્ષિતે સ્વાગત વક્તવ્ય આપ્યું હતું. અંતિમ પડાવ તરફ જતાં બીજાં દીકરી સૌમ્યા દીક્ષિતે હૃદયસ્પર્શી સંસ્મરણોની રજૂઆત કરી હતી અને પૂર્વી દીક્ષિતે સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.