મહારાષ્ટ્ર શાસનના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક અને સાહિત્ય ક્ષેત્રે ફાળો આપનાર કલાકારોનું સન્માન કરવામમાં આવશે.
મુંબઈના રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, દાદર ખાતે 21 માર્ચે વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભ યોજાયેલ છે. અકાદમી દ્વારા વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવ્યા છે. જેની યાદી પર એક નજર કરીએ તો ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક અનુક્રમે ભાગ્યેશ જહા તથા લક્ષ્મીકાંત તાંબોળીને એનાયત કરવામાં આવશે. મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લ પંડ્યા, કલા ક્ષેત્રે નિરંજન મહેતા, પત્રકારત્વ ક્ષેત્રે રમેશ દવે તથા સંસ્થાઓમાં ગુજરાતી વિભાગ- એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની પસંદગી કરવામાં આવી છે.
સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે.કવિતા વિભાગમાં રાજેશ રાજગોરના `શ્રીકૃષ્ણ ચરિતમ્ (ગઝલ સ્વરૂપે)’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળેલ છે. નવલકથા વિભાગમાં પ્રથમ ઈનામ દેવયાની દવેની `આવકાર’ તથા દ્વિતીય ઈનામ ઊર્મિલા પાલેજાની `ત્રીજો ભવ’ નવલકથાને અપાશે. લલિત નિબંધમાં ડૉ. સરોજિની જિતેન્દ્રના `જાત સાથે વાત’ પુસ્તકને પ્રથમ તથા નિરંજના જોશીના ‘છીપ મોતી શંખ’ પુસ્તકને દ્વિતીય ઈનામ મળશે.
વાર્તા વિભાગની વાત કરીએ તો કામિની મહેતાના ‘ઉડાન’તથા નીલા સંઘવીના ‘નીલા સંઘવીની નવી વાર્તાઓ’ વાર્તાસંગ્રહને દ્વિતીય ઈનામ સંયુક્તપણે જાહેર કરવામાં આવશે. પ્રકીર્ણ વિભાગમાં પ્રથમ ઈનામ મેધા ગોપાલભાઈ ત્રિવેદીના `મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન’ પુસ્તકને અપાશે. સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના અધ્યક્ષ માન.ઍડ. આશિષ શેલાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર દ્વારા પારિતોષિકો એનાયત કરવામાં આવશે. જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. 1,00,000/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 30,000/- અને દ્વિતીય ઈનામમાં રૂ. 2૦.૦૦૦/ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષિકની પસંદગીમાં અકાદમીના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનમાં નિર્ણાયક સમિતિએ સેવા આપી હતી.
