મુંબઈ: અંધેરી ખાતે આ તારીખે ઉજવાશે કવિ કાન્ત સ્મરણોત્સવ

આપણી ભાષાના અગ્રસર કવિ-ખંડકાવ્યના પ્રણેતા, નિબંધકાર, નાટ્યલેખક, ધર્મચિંતક મણિશંકર રત્નજી ભટ્ટનું નામ પડે એટલે યાદ આવે વસંતવિજય, ચક્રવાકમિથુન અને દેવયાની જેવાં ઉત્તમ ખંડકાવ્યો અને ઉપહાર, ઉદગાર, વત્સલનાં નયનો તથા સાગર અને શશી જેવી રચનાઓ. તેમની યાદમાં મુંબઈના અંધેરીખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કવિ કાન્તની સાહિત્યિક સ્મૃતિની જ્યોત સદા પ્રજ્વલિત રાખવાના હેતુથી એમના કટુંબીજનો દ્વારા મુંબઈમાં 2023માં પૂર્વાલાપ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. આનાં સો વર્ષ પહેલાં એટલે કે 1923માં જે દિવસે કવિ કાન્તના કાવ્યસંગ્રહ પૂર્વાલાપનું અમદાવાદમાં વિમોચન થવાનું હતું એ જ દિવસે કવિનું રાવળપિંડીથી લાહોર આવતી ટ્રેનમાં અણધાર્યું નિધન થયું હતું. ત્યારે હવે પૂર્વાલાપ ફાઉન્ડેશન મુંબઈના અંધેરીના ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગમાં કવિ કાન્ત વિશે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

આગામી 20 એપ્રિલ, રવિવારના રોજ અંધેરી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનની ફેલોશિપથી સુરતના યુવાન ફિલ્મદિગ્દર્શક, સંશોધનકાર જય ખોલિયાએ કવિ કાન્તના જીવન પર સર્જેલી 85 મિનિટની અભ્યાસપૂર્ણ ફિલ્મ પણ જોવા મળશે. વળી અગ્રણી સાહિત્યકાર અને કાન્તના જીવનકવનને આવરી લેતું નાટક ‘જળને પડદે’ રચનારા ડૉ. સતીશ વ્યાસ આ કાર્યક્રમમાં વક્તવ્ય આપશે. નાટકના નાયક કમલ જોશીએ જય ખોલિયાની ફિલ્મમાં કાન્તનો કંઠ આપ્યો છે.

સંશોધક-સલાહકાર અમૃત ગંગરની પરિકલ્પનાવાળા આ કાર્યક્રમ માટે કવિ કાન્તના દોહિત્ર મુકુલ પંડ્યા અમેરિકાથી આવશે, જ્યારે ભારતમાં એકમાત્ર પ્રવૃત્તિશીલ સ્વીડનબૉર્ગિયન ચર્ચના રેવરન્ડ પીટર દેવાસી કેરળથી આવશે અને કાર્યક્રમમાં હાજરી આપશે.ઈમેન્યુઅલ સ્વીડનબૉર્ગ નામના સ્વીડિશ વિજ્ઞાની-ખ્રિસ્તી રહસ્યવાદી અને ધર્મશાસ્ત્રીનાં લખાણોની કવિ કાન્તના જીવન પર ઘેરી અસર હતી. ઈચ્છુક દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.

તારીખ:20 એપ્રિલ, રવિવાર
સમય:સવારે 10વાગ્યે
જગ્યા:અંધેરીની ભવન્સ કૉલેજ કૅમ્પસ, એસ.પી. જૈન ઓડિટોરિયમ