મુંબઈ: ઘાટકોપર ખાતે લગ્નગીતોનો કાર્યક્રમ યોજાયો, શ્રોતાઓએ માણ્યા ફટાણાં

મુંબઈ: ઘાટકોપરના બ્રાહ્મણ સમાજના હૉલ ખાતે લગ્નનો જબરો માહોલ જામ્યો હતો. 150 ની કૅપેસીટીના હૉલમાં 250 જેટલાં શ્રોતાઓએ લગ્નગીત માણ્યા હતાં.’આવા કાળા કાળા વૉંદરા ચ્યોંથી આયા રે ‘ કે વેવાઈને સંબોધી ગવાતું’ ઓલ્યા જમડાનં વચમૉથી કાઢો રે, હું તો લાજી મરુ સુ…’ જેવાં ફટાણાંએ હાસ્યની છોળો ઉડાડી હતી.

મુંબઈમાં ગવાતાં લગ્નગીતો અને ગામમાં ગવાતાં લગ્નગીતોમાં શું ફરક છે અને શા માટે લગ્નગીતની આપણી ધરોહર હજી ગામમાં સચવાઈ છે એની જાણ કરાવતા કાર્યક્રમ “ઉત્તર ગુજરાતનાં લગ્નગીતો… કંકુ છાંટી કંકોતરી મોકલો”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઘાટકોપર બ્રાહ્મણ સમાજ તથા સ્વર સાધના ગ્રૂપ, મુલુંડ સહયોગી સંસ્થા હતાં.

ઉત્તર ગુજરાતનાં લગ્નગીતોનો આ કાર્યક્રમને લોકોએ ભરપુર માણ્યો હતો. કંકુ છાંટી કંકોતરી મોકલો…ચારે કંકોતરી ચારે ગામ મોકલાવજો રે…કંકાવટી માં કંકુડા રોળાવો… આજ મારે લખવી રે કંકોતરી..આવાં કંકોતરી લખતી વખતે ગવાતાં ગીતો ગણપતિની સ્તુતિ પછી રજૂ થયાં. તે પછી પીઠી ચોળતી વખતે, ગ્રહશાંતિ વખતે ગવાતાં ગીતોનો પણ રંગ જામ્યો હતો. જાન નીકળે ત્યારે ગવાતું ‘લીલુડા વૉંસની વૉંસળી રે..’ વરને પોંખતી વખતનાં, ફૂલેકાનાં અને કન્યા વિદાયનાં એવાં લગ્નવિધિ સાથે જોડાયેલા અનેક તળપદાં ગીતો સાંભળી શ્રોતાઓમા હરખની લાગણી છવાઈ ગઈ હતી.

વીણા પંડ્યા તથા સરોજ ઉપાધ્યાયે પોતાનાં ગાનથી લગ્નનો માહોલ સતત જાળવી રાખ્યો. મોટા ભાગની શ્રોતા બહેનોએ પણ પોતાનો સૂર પૂરાવ્યો. અતુલ પંડ્યાએ ફૂલેકા વખતના સલોકો( શ્લોક જેને ઉત્તર ગુજરાતમાં અરૂડો કે રૂડો કહે છે)અને મંગલાષ્ટક ગાયાં. કવિ સંજય પંડ્યાએ પણ ગામમાં લગન વખતે સ્ત્રીઓ ઘૂમટો તાણી ફટાણાંની ઓથે વેવાઈને હાથ લાંબા કરી કરી કેવું ચોપડાવતી એનો ઉલ્લેખ કર્યો.

ડૉ.પ્રો.હિતેશ પંડ્યાએ પણ સંચાલનમાં બામણા, વાંકાનેર વગેરે ગામોમાં ગવાતાં લગ્નગીતોની વાત કરી બે ગીતો લલકાર્યા પણ ખરાં. લગ્નગીતો લોકસાહિત્યનો એક અવગણી ન શકાય એવો હિસ્સો છે એ વાત એમણે ભારપૂર્વક રજૂ કરી. આ કાર્યક્રમમાં ગાયેલાં ગીતોનું સંકલન વીણા પંડ્યાએ કર્યું હતું. એ લગ્નગીતોની સંકલિત પુસ્તિકા પણ શ્રોતાઓને ભેટ આપવામાં આવી હતી. કી બોર્ડ પર કાનજીભાઈ ગોઠી અને તબલાં પર યુવાન તૃપ્તરાજ પંડ્યાએ પણ અદ્ભુત જુગલબંધી કરી. સ્થાનિક નગરસેવિકા બિન્દુ ત્રિવેદીએ આ રજૂઆતને દિલથી વધાવી અને જણાવ્યું કે ઉત્તર ગુજરાતનાં મિત્રો અવારનવાર ‘ ગૉમમૉં લગન માટે જઈએ છીએ ‘ એમ કહેતાં ત્યારે મને થતું કે ગૉમમૉં હું દાટ્યું છ એ ખબર પડતી નથી! આજે જાણ થઈ કે ઉત્તર ગુજરાતવાળાં લગ્ન માટે ગૉમમૉં ચ્યમ દોડ છ!

બિન્દુ ત્રિવેદી ઉપરાંત, ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ, બારીશી નેટવર્કના રાકેશ જોષી, અકાદમીના સભ્ય નિરંજન પંડ્યા, કટાર લેખક મુકેશ પંડ્યા , તન્ના કૉલેજના પ્રોફેસર અમી મકવાણા કાર્યક્રમમાં હાજર હતાં. આ કાર્યક્રમનું સંકલન કવિ સંજય પંડ્યાએ કર્યું હતું.