મુંબઈમાં ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે ફૂલલેન્થ નાટકોની સ્પર્ધા

મુંબઈ: નાટ્યસ્પર્ધાની કાગડોળે રાહ જોતા નાટ્યરસિકો માટે આ શુભ સમાચાર છે. અંધેરી ખાતે આવેલા ભવન્સ કલ્ચરલ સેન્ટરની નાટકોની સ્પર્ધાનો સેમીફાઈનલ રાઉન્ડ ત્રીજી જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી યોજાવાનો છે. આ રાઉન્ડમાં 22 નાટકો ભજવાશે અને તેમાંથી પસંદગી પામેલાં નાટકોનો ફાઈનલ રાઉન્ડ ફેબ્રુઆરીમાં યોજાશે.

આ નાટ્યસ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં 45 નાટકોની એન્ટ્રી આવી હતી તેમાંથી 22 નાટકો સ્પર્ધાના સેમિફાઈનલ રાઉન્ડ માટે પસંદગી પામ્યાં છે. સ્પર્ધાનું આ 18મું વર્ષ છે. સન 2007થી આ સ્પર્ધા દર વર્ષે યોજાય છે. શરૂઆતનાં 14 વર્ષ આ સ્પર્ધા ચિત્રલેખા નાટ્યસ્પર્ધા તરીકે ઓળખાતી. છેલ્લાં ત્રણ વર્ષથી શ્રુજન એલ.એલ.ડી.સી. સંસ્થાના નામે આ સ્પર્ધા યોજાય છે.

દર વર્ષે સેમીફાઈનલ રાઉન્ડ ગુજરાતનાં વિવિધ શહેરોમાં યોજાતો અને મુંબઈને ફાઈનલ સ્પર્ધાનાં 10/11 નાટકો જોવા મળતાં. આ વખતે મુંબઈ ભાગ્યશાળી નીવડ્યું છે અને સેમીફાઈનલ રાઉન્ડ તેમજ ફાઈનલ રાઉન્ડ પણ મુંબઈમાં જ યોજાવાનો છે.

ભવન-ચોપાટીમાં શરૂઆતનાં ચાર નાટક, ઘાટકોપર (ઝવેરબેન-ભૂરીબેન)માં પાંચ નાટક, એસ.એન.ડી.ટી. કોલેજ (માટુંગા)માં પાંચ નાટક, એમ.કે.ઇ.એસ. (મલાડ)માં પાંચ નાટકો અને અંતિમ ત્રણ નાટક ભવન-ચોપાટીમાં યોજાશે. ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, અમદાવાદ, મુંબઈ – એમ વિવિધ શહેરોની સંસ્થા આ નાટ્યસ્પર્ધામાં ભાગ લઈ રહી છે. આ સ્પર્ધામાં ઐતિહાસિક, હોરર, સામાજિક, કોમેડી, થ્રીલર, મર્ડર મિસ્ટ્રી જેવાં વિવિધ વિષયનાં નાટકો ભજવાશે.

મુંબઈગરા માટે આખો જાન્યુઆરી મહિનો નાટ્યમય બની રહેશે. આ ભગીરથ કાર્યમાં મીડિયા પાર્ટનર તરીકે જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝપેપર્સ (જન્મભૂમિ/ ફુલછાબ/ કચ્છમિત્ર) જોડાયું છે. તો એસ.આર.કે., અમૂલખ અમીચંદ સ્કૂલ (માટુંગા), એમ.કે.ઈ.એસ. (મલાડ),ઘાટકોપર બ્રાહ્મણ સમાજ જેવી વિવિધ સંસ્થા આ નાટકના મહાકુંભમાં સામેલ થઈ છે અને નાટ્યયજ્ઞમાં સહ-યજમાન બની રહી છે. તો તૈયાર થઈ જાઓ – સેમિફાઇનલ રાઉન્ડનાં 22 નાટકો જોવા માટે.