મુંબઈ: આ ગુજરાતી બહેને 65 વર્ષે અનુસ્નાતકની ડિગ્રી મેળવી P.hdનો કર્યો નિર્ણય

મુંબઈના બોરીવલીમાં રહેતા છાયાબહેન વોરાએ 65 વર્ષની ઉંમરે અનુસ્નાતકની ડિગ્રી મેળવી અનેક મહિલાઓ માટે પ્રેરણાત્મક ઉદાહરણ પાડ્યું છે. જોશ અને ધગશ સામે ઉંમરનું કંઈ આવતું નથી. જો કઈંક કરવાની ધગશ હોય તો ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી. શરમને નેવે મૂકી 60 વર્ષ પછી કૉલેજ જવું અને વિદ્યાર્થીઓ વચ્ચે બેસીને ભણવું એ હિંમત છાયાબહેને બતાવી છે.

ચિત્રલેખા સાથે વાત કરતાં છાયાબહેન વોરાએ કહ્યું હતું કે, ” મારા પપ્પાનું સપનું હતું કે હું ડૉક્ટર બનું અને તેથી મેં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો.પરંતુ કેટલાક સંજોગોને કારણે આગળ અભ્યાસ ના કરી શકી.અભ્યાસ છોડ્યા પછી હું બ્યુટી પાલર્રનું કામ કરતી હતી. લગ્ન થયા, પણ પરિસ્થિતિ એની એ જ રહી. લગ્ન બાદ પણ મેં તે કામ ચાલું રાખ્યું. મારે એક દીકરો છે, જે યુએસમાં અભ્યાસ કરે છે. 60 વર્ષે મારા દીકરાએ મને પ્રોત્સાહન આપ્યું કે હું અધુરો અભ્યાસ પુરો કરું.”

વર્ષ 2012માં છાયાબહેના વોરાના પતિનું અવસાન થયું. ત્યાર બાદ દીકરાને ભણાવવાની તમામ જવાબદારી છાયાબહેન પર આવી પડી. જોકે પરિવારના અન્ય સભ્યોના સહકારથી દીકરાને અભ્યાસ કરવા માટે યુએસ મોકલ્યો. બીજી બાજુ એકલવાયું જીવન જીવતાં છાયાબહેને પણ ફરી અભ્યાસ કરવાનું નક્કી કર્યુ. તેમણે બી.કોમમાં પ્રવેશ મેળવ્યો અને ક઼ૉલેજમાં લેક્ચર અટેન્ડ કરવા પણ જતાં. જોકે યંગ વિદ્યાર્થીઓ વચ્ચે એકલા મોટી ઉંમરના સહઅધ્યાયી તરીકે તેમને થોડું ઑકવર્ડ લાગતું હતું પણ સમય જતાં ટેવ પડી ગઈ. બી.કોમ બાદ તેમણે એમ.કૉમમાં એડમિશન મેળવ્યું અને સારા માર્ક્સ સાથે અનુસ્નાતકની ડિગ્રી પણ મેળવી.

છાયાબહેન વોરાનું કહેવું છે કે જ્યારે બધા નિવૃત્તિનું વિચારતા હોય એવા સમયે એક નવી શરૂઆત કરવી પડકારજનક હતું પણ અશક્ય નહીં. મને મારી પાંચ વર્ષની અભ્યાસની જર્ની દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ પરિવારના સભ્યોની મદદથી બધી સમસ્યાઓ સામે લડી શકાયું. મેં એકાગ્રતા સાથે બી.કોમ અને એમ.કોમ પૂર્ણ કર્યુ અને હવે મેં પી.એચ.ડીમાં પ્રવેશ મેળવ્યો છે.