મહેસાણામાં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 1200થી વધુ MoU થયા

મહેસાણામાં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સમાપન થયું હતું. જેમાં 1200થી વધારે એમઓયુ થયા હતા. આ એમઓયુ થકી અંદાજિત 3 લાખ 24 હજાર કરોડનું રોકાણ ઉત્તર ગુજરાતમાં આવનારા દિવસોમાં આવશે. આ ઉપરાંત 29000 થી વધુ સહભાગીઓ નોંધાયા હતા. તેમજ 70થી વધુ દેશોની સહભાગિતા સાથે 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ની થીમ પર યોજાયેલ આ બે દિવસીય કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે. આ ઉપરાંત, આ રિજનલ કોન્ફરન્સ ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને સર્વસમાવેશક વિકાસ માટેના રોલ મોડેલ તરીકે રાજ્યને સ્થાપિત કરવામાં નોંધપાત્ર સાબિત થઈ હતી.

મહેસાણા ખાતે આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતા અંગે વાત કરતા ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં અંદાજિત 30 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને 72 જેટલા દેશોના લોકો આ સમિટમાં જોડાયા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ રિજનલ કોન્ફરન્સ દરમિયાન 1212 જેટલા એમઓયુ થયા હતા.