મોરબી બ્રિજ કેસ: ઓરેવા કંપનીના MD જયસુખભાઈ પટેલની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ ઓરેવા કંપનીના એમડીની વચગાળાની જામીન અરજી જિલ્લા અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

મોરબી ઝુલતા પુલ અકસ્માતની ચાર્જશીટમાં અનેક ખુલાસા થયા છે. ચાર્જશીટ મુજબ સસ્પેન્શન બ્રિજના 49માંથી 22 કેબલ પર કાટ લાગી ગયો હતો. આ સાથે બ્રિજની મજબૂતાઈનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી લેવામાં આવ્યું નથી. આ માટે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલને સીધા જ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ચાર્જશીટ મુજબ પુલના સમારકામના નિયમોને બાયપાસ કરીને આઠથી 12 મહિનાના બદલે છ મહિનામાં પુલને ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના કાનૂની દસ્તાવેજ પર કરાર થયો હતો.

ચાર્જશીટ મુજબ અકસ્માત સમયે 400થી વધુ લોકોને પુલ પાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજનું સમારકામ ટેકનિકલ માણસોને બદલે સ્થાનિક ફેબ્રિકેટરને સોંપવામાં આવ્યું હતું. પોતાના અંગત લાભ માટે ઓરેવા કંપનીએ સમય પહેલા લોકો માટે બ્રિજ શરૂ કરી દીધો હતો. ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઓરેવા ગ્રુપે દુર્ઘટના બાદ બચાવ કાર્યમાં સહકાર આપ્યો ન હતો. નોંધનીય છે કે આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.