સિંહદર્શન મામલે મોરારિબાપુની પ્રતિક્રિયા, સિંહદર્શન માટે ગયા નહોતા…

જૂનાગઢ– પોરબંદરના એક વકીલ દ્વારા મોરારિબાપુએ ગેરકાયદે સિંહ દર્શન કર્યું છે, તેવી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી, અને અરજીમાં ગેરકાયદે સિંહદર્શન કરાવનાર વનવિભાગ કર્મચારીઓ વિરુધ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તેની સામે રામકથાકાર મોરારિબાપુએ કહ્યું હતું કે તેઓ સિંહદર્શન માટે ગયા નહોતા, પણ રામાયણની પોથીને ગિરનાર પરિક્રમાના રૂટ પર આવતા ધર્મસ્થાનો પર લઈ ગયા હતા.

હાલ મોરારિબાપુની રામકથા જૂનાગઢમાં ચાલી રહી છે, મોરારીબાપુએ આખી ઘટના અંગે chitralekha.comને કહ્યું કે સિંહદર્શન માટે તેઓ ગયા નહોતા. પણ રામાયણની પોથીને ગિરનાર પરિક્રમાના રૂટ પર આવતા ધર્મસ્થાનો પર લઇ ગયા ત્યારે એ રસ્તે સિંહ સામાં મળ્યા હતા. વનવિભાગના અધિકારી ટીલાળાએ પણ કહ્યું હતું કે કોઈ નિયમભંગ થયાની વાત સાવ ખોટી છે. ગિરનારના ધાર્મિક સ્થળોની મુલાકાત વનતંત્રની સહમતીથી હતી. પરિક્રમા દરમિયાન લોકો પ્લાસ્ટિકથી દૂર રહે, જંગલમાં કચરો ન કરે એની જનજાગૃતિ ઝુંબેશના ભાગરૂપે એ નિર્ધારિત રૂટ પર ગયા હતા. વનતંત્ર પણ સાથે હતું. માર્ગમાં આવતા ધાર્મિક સ્થળોની બાપુએ મુલાકાત લીધી હતી.

અહેવાલ- જૂનાગઢથી જવલંત છાયા