કેરળમાં ચોમાસું આવી ગયું છે અને ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમયના બે દિવસ પહેલા એટલે કે 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 29 મેના રોજ કેરળ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પ્રવેશ્યું હતું. કેરળ અને ઉત્તર-પૂર્વમાં એક સાથે ચોમાસાની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે. આ પહેલા પણ ચાર વખત આવું બન્યું છે. વર્ષ 2017, 1997, 1995 અને 1991માં ચોમાસું કેરળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એક સાથે પહોંચ્યું હતું.
ચોમાસું 15 જૂને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ચોમાસું 15 જૂનની આસપાસ અથવા તેના સામાન્ય સમય કરતાં એક કે બે દિવસ પહેલા પહોંચવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે આ સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે. રાજ્યનો સરેરાશ વરસાદ 949 મીમી છે. ગયા વર્ષે 25 જૂને મધ્યપ્રદેશમાં ચોમાસું આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં ચોમાસાએ સમગ્ર રાજ્યને આવરી લીધું હતું.
જુદા જુદા રાજ્યોમાં ચોમાસું ક્યારે આવશે?
કેરળમાં ચોમાસાના આગમન સાથે, તે સામાન્ય રીતે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી મુજબ, કયા રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે.
રાજ્ય | તારીખ |
કેરળ, તામિલનાડુ | 1 જૂન |
કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગો | 5 જૂન |
મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ઉપરનો ભાગ, પશ્ચિમ બંગાળ | 10 જૂન |
ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા ઝારખંડ અને બિહારની સરહદ | 15 જૂન |
ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો | 20 જૂન |
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર | 25 જૂન |
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ | 30 જૂન |
રાજસ્થાન | 5 જુલાઇ |
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે જે આ વર્ષે સારા ચોમાસા માટે સાનુકૂળ છે. જેના કારણે ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. તે જ સમયે, લા નીના સાથે, આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશન ડીપોલ (IOD)ની સ્થિતિ પણ અનુકૂળ બની રહી છે, જે ચોમાસા માટે સકારાત્મક સંકેતો છે.