મોહસિન નકવીએ માગી માફી, પણ ટ્રોફી અને મેડલ આપવાનો ઇનકાર

દુબઈઃ દુબઈમાં યોજાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના એશિયા કપ ટ્રોફી વિવાદ નવો વળાંક લઈ ગયો. એ બેઠકમાં PCB અને ACCના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્વીકાર્યું હતું કે જે કંઈ બન્યું તે યોગ્ય નહોતું. પરંતુ છતાં તેમણે BCCIને એશિયા કપની ટ્રોફી અને મેડલ આપવાનો સીધો ઇનકાર કરી દીધો. આ બેઠકમાં આ મુદ્દે બંને પક્ષ વચ્ચે તીવ્ર ચર્ચાવિચારણા થઈ હતી અને સૂત્રોના જણાવ્યા મુજબ વાતાવરણ ખૂબ જ તંગ બન્યું હતું.

નકવીએ BCCIને કહ્યું હતું કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દુબઈ આવીને જાતે ટ્રોફી લેવી પડશે. BCCIએ સવાલ કર્યો હતા જ્યારે તમે ત્યાં હતા ત્યારે તેમણે ટ્રોફી ન લીધી, હવે તમે માનો છો કે તેઓ પોતે આવીને ટ્રોફી લેશે?

આ બેઠકમાં ખુલાસો થતાં નકવીએ માફી તો માગી, પરંતુ ટ્રોફી અને મેડલ પરત આપવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આને કારણે ક્રિકેટ જગતમાં એશિયા કપ 2025ની ટ્રોફી વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે. મોહસિન નકવી આજે લાહોર જવાના છે, પરંતુ આ વિવાદનો પ્રભાવ અને પ્રતિક્રિયા કેટલાક દિવસો સુધી મિડિયા અને ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ACCની અંદર પણ આ મુદ્દે મતભેદ હતા અને બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓએ બંને પક્ષોને શાંત કરવાના પ્રયત્નો કર્યા હતા.

એશિયા કપ 2025ના ફાઇનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. પરંતુ મેચ પછીનું દૃશ્ય સૌને ચોંકાવનારું રહ્યું હતું.