ગુજરાત સહિત દેશભમાં ફરી એકવખત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દેવભૂમિ દ્વારકા શહેરમાં 6.0 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પોરબંદરમાં 3.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૂત્રાપાડામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.

અમરેલીના જાફરાબાદમાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 12 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી સહિતના પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢના વંથલીમાં 5 ઈંચથી વધુ તથા કેશોદમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં 4.76 ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઈ એલર્ટ, 29 ડેમને એલર્ટ તથા 21 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.


