ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 : હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ એડીચોટીનું જોરલગાવી રહી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પછી તમામ પક્ષો પ્રચારમાં જોડાઈ ગયા છે. તો બીજી તરફ પક્ષ પલટો પણ થઈ રહ્યો છે. ત્યારે આજે ભાજપના નેતા મનુજી ઠાકોરે ફરી ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત ભાજપ અને કોંગ્રેસ કરી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપ નેતા મનુજી ઠાકોર પુન: કોંગ્રેસમાં જોડાયા છે.
કોંગ્રેસની પરિવર્તન યાત્રા દહેગામ પહોંચી ત્યારે ત્યાં યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મનુજી ઠાકોરે કહ્યું હતું કે ભાજપમાં સરમુખત્યારશાહી અને અધિકારી શાસન છે. ભાજપમાં કાર્યકરનું કામ હોય ત્યાં સુધી કાર્યકરને ગણતરી થાય છે, પછી કોઇ પૂછવાવાળું હોતું નથી. મનુજી 2002થી તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે ચૂંટાઇ આવે છે. પાંચેક વર્ષ પહેલા તેમણે કોંગ્રેસમાં બળવો કરીને ભાજપમાં ગયા હતા.