મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે

અમદાવાદ: મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડે (MPISL) તેના IPOની વિગતો જાહેર કરી છે. IPO માટેની બિડિંગ પ્રક્રિયા 9 સપ્ટેમ્બરે શરૂ થશે અને શુક્રવાર, 11 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 8 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ઇશ્યુનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 322થી રૂ. 339 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 44 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 44 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યુ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર મણિપાલ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા 1,43,06,785 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

કંપની વિશ્વભરની બેંકો, ફિનટેક કંપનીઓ, એનબીએફસી અને સરકારોને પેમેન્ટ સોલ્યુશન્સ, આઇડેન્ટિફિકેશન સોલ્યુશન્સ, સુરક્ષિત સોલ્યુશન્સ તેમ જ સ્માર્ટ ટેગિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) સોલ્યુશન્સ પૂરાં પાડે છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીનો ભારતના ક્રેડિટ કાર્ડ ઇશ્યુ બજારમાં આશરે 36.4 ટકા અને ડેબિટ કાર્ડ ઇશ્યુ બજારમાં 30.9 ટકા હિસ્સો હતો. આ સાથે કંપની વિશ્વમાં તેમ જ ભારતમાં પેમેન્ટ કાર્ડના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત કંપની ભારતની સૌથી મોટી નેશનલ આઇડેન્ટિટી કાર્ડ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને તેણે 12 પ્રાદેશિક ભાષાઓમાં એક અબજથી વધુ કાર્ડનું બિલિંગ કર્યું છે. નાણાકીય વર્ષ 2026માં કંપની ભારતભરમાં આવેલી 10 સુવિધાઓ મારફતે સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય બજારોમાં 300થી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી હતી.

પેમેન્ટ કાર્ડના ઉત્પાદન અને પર્સનલાઇઝેશન માટે કંપનીને પેમેન્ટ નેટવર્ક્સ માસ્ટરકાર્ડ તરફથી 16 વર્ષથી વધુ સમયથી, રૂપે તરફથી નવ વર્ષથી વધુ સમયથી અને અન્ય પેમેન્ટ નેટવર્ક્સ તરફથી અનુક્રમે 15 વર્ષ અને નવ વર્ષથી વધુ સમયથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત, કંપનીની સુવિધાઓ સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ માટે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ (લેવલ 1), વર્ઝન 4.0.1 હેઠળ પ્રમાણિત છે. મણિપાલ સુવિધાને સુરક્ષિત કાર્ડ ઉત્પાદન અને પર્સનલાઇઝેશન માટે ‘INTERGRAF’(સેન્ટ્રલ બેંક લેવલ) તેમ જ કાર્ડ ક્વોલિટી મેનેજમેન્ટ માટે પણ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે.

ઇશ્યુના ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઇશ્યૂ માટે બીએસઈ લિમિટેડ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.