કેરળમાં યુવાને માતા-ગર્લફ્રેન્ડ સહિત 6ની હત્યા કરી, શું છે કારણ?

કેરળ: રાજધાની તિરૂવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 23 વર્ષીય યુવકે પરિવારના પાંચ સભ્યો અને તેની ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની ક્રૂર હત્યા કરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જો કે, તેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં. જ્યારે આરોપીની માતાની હાલત ખૂબ જ ગંભીર છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે, આરોપી તેના પિતા સાથે વિદેશમાં રહેતો હતો. તાજેતરમાં વિઝિટિંગ વિઝા પર પાછો ફર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનનો પરિવાર તેના ફરઝાના સાથેના સંબંધનો વિરોધ કરી રહ્યો હતો. આથી યુવાને આ પગલું ભર્યું છે.

હત્યા કર્યા પછી આરોપીએ ઝેર પીધું 

આરોપીની ઓળખ પેરુમાલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના રવિવારે (23મી ફેબ્રુઆરી) સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર આરોપીએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યોની હત્યા કર્યા પછી તેણે ઝેર પી લીધું હતું. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

આરોપી અફાને કથિત રીતે તેના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. મૃતકોમાં આરોપીની દાદી સલમાબી, 13 વર્ષનો ભાઈ અફસાન, તેના પિતાનો ભાઈ લતીફ, લતીફની પત્ની શાહિદા અને ગર્લફ્રેન્ડ ફરઝાનાની ઓળખ થઈ છે.