સંસદમાં મલ્લિકાર્જુન ખડગે, જે.પી. નડ્ડા વચ્ચે તૂતૂ-મેંમેં

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં ચર્ચામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની ટીકા કરતાં ખડગેએ વડા પ્રધાન મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. જેના જવાબમાં રાજ્યસભામાં ભાજપના નેતા જે.પી. નડ્ડા ગુસ્સે થઈ ગયા અને ખડગે માટે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. બંને નેતાઓ વચ્ચે રાજ્યસભામાં ઘર્ષણપૂર્ણ વાતચીત જોવા મળી હતી.

રાજ્યસભામાં જે.પી. નડ્ડા દ્વારા તેમની પર કરાયેલા ટીકા અંગે ખડગેએ કહ્યું કે આ સભામાં કેટલાક નેતાઓ છે જેમના પ્રત્યે મને ખૂબ આદર છે. નડ્ડા પણ તેમાંથી એક છે. રાજનાથ સિંહ અને નડ્ડા એવા નેતા છે કે જે કદી પોતાનું સંતુલન ગુમાવતા નથી. આજે તે મને શીખ આપી રહ્યા છે, એ શરમજનક છે. તેમણે માફી માંગવી જોઈએ, હું આને છોડી દેવાનો નથી.

ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે અમે સર્વપક્ષી બેઠકમાં હાજર રહ્યા, પણ વડા પ્રધાન ચૂંટણી પ્રચાર માટે બિહાર ગયા હતા. શું આ છે તેમની દેશભક્તિ? તેઓ આજે અહીં હોવા જોઈએ હતા અને અમારું કહેવું સાંભળવું જોઈએ હતું. જો તમારામાં સાંભળવાની ક્ષમતા નથી તો તમે એ પદ પર રહેવા લાયક નથી. ખડગેએ વડા પ્રધાન માટે અપમાનજનક શબ્દો પણ કહ્યા, જેના પર ભાજપના સભ્યોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

નડ્ડાએ આપ્યો જવાબ

ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં જે.પી. નડ્ડાએ કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ખૂબ જ વરિષ્ઠ નેતા છે, પણ જે રીતે તેમણે વડા પ્રધાન પર ટિપ્પણી કરી છે. હું તેમની પીડા સમજી શકું છું. વડા પ્રધાન મોદી છેલ્લાં 11 વર્ષથી પદ પર છે. તેઓ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. નડ્ડાએ કહ્યું કે ખડગે પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. આ નિવેદન પછી કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો.