મહાઠગ સુકેશ ચંદ્રશાખરે નવા પત્રમાં કર્યા સનસનાટીભર્યા દાવા

ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી લખેલો વધુ એક પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં સુકેશ ચંદશેખરે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી તરફથી જેકલીન ફર્નાન્ડિસ પર લગાવવામાં આવેલા આરોપોને મનઘડત ગણાવ્યા છે. આ સાથે સુકેશે નોરા ફતેહી પર આરોપ લગાવ્યો અને કહ્યું કે નોરાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ની સામે અલગ-અલગ નિવેદનો આપ્યા છે, જે સાબિત કરે છે કે તે પોતાના મનથી વાર્તા બનાવી રહી છે.

સુકેશે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે ‘નોરા ફતેહી હંમેશા જેકલીનથી ઈર્ષ્યા કરતી હતી અને હંમેશા મારું બ્રેઈનવોશ કરતી હતી. નોરા આમ કરતી હતી જેથી હું જેકલીન સાથે બ્રેકઅપ કરી શકું અને તેને ડેટ કરી શકું.સુકેશે દાવો કર્યો કે નોરા તેને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત ફોન કરતી હતી અને જો તે ક્યારેય ફોન ન ઉપાડતી તો તે તેને સતત ફોન કરતી હતી.

સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે, ‘નોરાએ ખોટું કહ્યું કે તે મારી પાસેથી કાર લેવા માંગતી નથી. જ્યારે નોરા મને મળી ત્યારે તેની પાસે મોંઘી કાર નહોતી, પરંતુ તેણે અને મેં સાથે મળીને એક લક્ઝરી કાર પસંદ કરી, જેનો સ્ક્રીન શોટ ED પાસે છે.

આ છેતરપિંડી કરનારે તેના પત્રમાં એમ પણ કહ્યું હતું કે ‘નોરાએ જૂઠું ન બોલવું જોઈએ… સત્ય એ છે કે હું તેને રેન્જ રોવર આપવા માંગતો હતો પરંતુ તે સ્ટોકમાં નહોતો. તેથી મેં તેને S સિરીઝની BMW કાર ગિફ્ટ કરી, જે તેણે લાંબા સમય સુધી પોતાની પાસે રાખી.

સુકેશે તેના પત્રમાં દાવો કર્યો હતો કે તે અને જેકલીન ફર્નાન્ડિસ ગંભીર સંબંધમાં હતા અને તે નોરાને અવગણતો હતો. આ સાથે તેણે કહ્યું કે ‘નોરા મને મોંઘી બેગ અને જ્વેલરીની તસવીરો મોકલતી હતી, જે મેં તેને ગિફ્ટમાં આપી છે અને તે હજુ પણ તેનો ઉપયોગ કરી રહી છે.’ તેણી તેને ક્યારેય બિલ બતાવી શકશે નહીં કારણ કે તેણે તે ખરીદ્યું છે.