વિધાનસભામાં ઓનલાઇન રમી રમતા કેદ થયા મહારાષ્ટ્રના મંત્રી

નાસિક: મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેએ મંગળવારે દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય તેમના મોબાઇલ ફોન પર ઓનલાઈન રમી રમી નથી જેમ કે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે. પદ છોડવાની માગને તેમણે ફગાવતાં કહ્યું હતું કે એક નાનો મુદ્દો ઉતાવળમાં વધારીને રજૂ કરવામાં આવ્યો છે. NCPના નેતાએ ધમકી આપી હતી કે જેમણે એક વિવાદાસ્પદ વિડિયો શેર કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે.

મામલો શો છે?
NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે રવિવારે તેમના X હેન્ડલ પર એક વિડિયો ક્લિપ પોસ્ટ કર્યો હતો જેમાં કોકાટે વિધાન પરિષદના ચોમાસુ સત્રમાં તેમના મોબાઈલ પર ઓનલાઇન રમી રમતા નજરે પડે છે. આ વિડિયોના વાઇરલ થતાં જ રાજકીય તોફાન મચી ગયું. NCP (SP)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે સોમવારે બે વિડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોકાટે તાજેતરના વિધાન પરિષદના ચોમાસુ સત્ર દરમિયાન તેમના ફોન પર જંગલી રમી નામક ગેમ રમતા નજરે પડે છે. NCP મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ અને ડેપ્યુટી CM અજિત પવારે આ વિડિયોને ગંભીરતાથી લીધો છે અને મંત્રી સાથે વાત કરશે.

વિડિયો સાચો સાબિત થશે તો હું રાજીનામું આપીશ
NCPના નેતાએ કહ્યું હતું કે તેઓ CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી CM અજિત પવાર અને વિધાનસભાના અધ્યક્ષને આ મામલે વિસ્તૃત તપાસ કરવા માટે પત્ર લખશે. કોકાટેએ કહ્યું હતું  કે જો વિડિયો સાચો સાબિત થાય તો હું રાજીનામું આપી દઈશ. CM કે ડેપ્યુટી CM વિધાનમંડળના શિયાળુ સત્રમાં આ અંગે નિવેદન આપી શકે છે અને હું તેમના મળ્યા વગર જ રાજ્યપાલને રાજીનામું સોંપી દઈશ.