નવરાત્રિ: દોઢસો કિલો ઘીમાંથી તૈયાર થઈ મહાકાળી માતાજીની મૂર્તિ

અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં આવેલી શેરી, મહોલ્લા અને પોળોની નવરાત્રિની જુદી-જુદી પરંપરાઓ છે. કેટલીક પોળોની નવરાત્રિ સાથે પ્રાચીન ઐતિહાસિક પરંપરાઓ જોડાયેલી છે. જ્યારે કેટલીક પોળના મંડળો દ્વારા દર વર્ષે કંઈક જુદી રીતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થતી હોય છે.કાલુપુર દરવાજાની એકદમ નજીક આવેલી ભંડેરી પોળ વિશાળ છે. જેમાં એક વારાહી માતાના મંદિર સાથે લોકો વર્ષોથી આસ્થા સાથે જોડાયેલા છે. એ વારાહી માતાના મંદિરની બાજુમાં અંદાજે 150 કિલો ઘી સાથે મહાકાળી માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે.ભંડેરી પોળ નવરાત્રિ મહોત્સવ મંડળના આગેવાન દિલીપભાઈ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “અમે સતત 31 વર્ષથી માતાજીના જુદા જુદા સ્વરૂપોની પ્રતિમાઓ ઘીમાંથી તૈયાર કરીએ છીએ. આ વર્ષે ઘીમાંથી મહાકાળી માતાની મૂર્તિ આણંદ પાસેના મોગરી ગામના કારીગર પાસે તૈયાર કરાવડાવી છે. ઘીની આ પ્રતિમા સાચવવા ચારેય તરફ થર્મોકોલની સીટ સાથે સ્ટેજ તૈયાર કરાવ્યું છે. આ સાથે ઘીની પ્રતિમા પંદર દિવસ સુધી સરસ રીતે રહે એ માટે 600 કિલોગ્રામ બરફની પાટો મુકીએ છીએ.”દિલીપભાઈ કહે છે અત્યાર સુધી અમારા મંડળે વારાહી, બહુચર, ખોડિયાર, અંબાજી, ઉમિયા, ગાયત્રી, ચામુંડા, મહાકાળી માતાજીની મૂર્તિઓ બનાવડાવી છે. આ વર્ષે વારાહી માતાના મંદિર પાસે સ્ટેજ પર બરફમાં મુકેલી મહાકાળી માતાજીની મૂર્તિના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)