મુંબઈ: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી સહિતના એક ડઝનથી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતનાર પંડિત જસરાજના પત્ની અને ફિલ્મ નિર્માતા મધુરા જસરાજનું બુધવારે નિધન થયું છે. મધુરા જસરાજ ફિલ્મ નિર્માતા, લેખક અને સંગીત પ્રેમી પણ હતા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતાં. મધુરા પંડિતના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છે અને બધા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.
મધુરા પંડિતનુંકલાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન
જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની પત્ની અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શાંતારામના પુત્રી મધુરા પંડિત પણ વિવિધ ક્ષેત્ર સક્રિય હતાં. મધુરા પંડિત એક લેખક અને ફિલ્મ નિર્માતા હતાં. આ સાથે જ તેઓ કોરિયોગ્રાફર તરીકે પણ સક્રિય હતાં. મધુરા પંડિતે 2009માં ‘સંગીત માર્તંડ પંડિત જસરાજ’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ સિવાય તેમણે તેમના પિતા વી. શાંતારામનું જીવનચરિત્ર અને બીજી ઘણી નવલકથાઓ પણ લખી હતી. તેમજ તેણીએ મરાઠી ફીચર ફિલ્મ ‘આઈ તુજા આશીર્વાદ’ પણ ડિરેક્ટ કરી હતી. આ સિવાય તેમણે અનેક મ્યુઝિક આલ્બમ દ્વારા પોતાની કલ્પનાને આકાર આપ્યો હતો. મધુરા પંડિતે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા.
મધુરા પંડિતે કલાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મધુરાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની જાળવણી અને પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી. બુધવારના રોજ લાંબી બિમારી બાદ તેમનું અવસાન થયું. આ જાણકારી તેમની પુત્રી દુર્ગા જસરાજે આપી છે.
પંડિત જસરાજ કોણ હતા?
પંડિત જસરાજ મેવાતી ઘરાનાના અદભૂત ગાયક હતા. પંડિત જસરાજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં સંગીત જગતમાં ખૂબ પ્રખ્યાત હતા. કેનેડાના ટોરોન્ટો શહેરની એક યુનિવર્સિટીમાં પંડિત જસરાજના નામે સ્કોલરશિપ પણ ચાલે છે. તેમજ અમેરિકાના ન્યુયોર્કમાં એક મ્યુઝિક હોલનું નામ પણ ‘પંડિત જસરાજ ઓડિટોરિયમ’ રાખવામાં આવ્યું છે. પંડિત જસરાજ સંગીતની દુનિયામાં ચમકતા સિતારા રહ્યા છે. પંડિત જસરાજને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી, કાલિદાસ સન્માન, સંગીત નાટક અકાદમી રત્ન સભ્યપદ, કાંચી કામકોટીનું ‘અસ્થાના વિધાનમ’, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પંડિત જસરાજને શાંતિનિકેતનનું માનદ પદવી ‘દેશીકોત્તમ’, ઉસ્તાદ હાફિઝ અલી ખાન એવોર્ડ, પંડિત દીનાનાથ મંગેશકર એવોર્ડ, ડાગર ઘરાના એવોર્ડ, આદિત્ય વિક્રમ બિરલા એવોર્ડ, પંડિત ભીમસેન જોશી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, સુમિત્રા ચત્રમ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અને ઉસ્તાદ અલી ખાન એવોર્ડ મળ્યો છે.
મધુરા અને પંડિત જસરાજના લગ્ન વર્ષ 1962માં થયા હતા. અગાઉ ઓગસ્ટ 2020માં પંડિત જસરાજનું 90 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. જસરાજ શાસ્ત્રીય ગાયક હતા જેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જસરાજ અને મધુરા પંડિતની પુત્રી દુર્ગા સંગીતકાર અને અભિનેત્રી છે. જ્યારે પુત્ર શરંગ દેવ સંગીત નિર્દેશક છે.
ભક્તિ ગીતો લોકો સુધી પહોંચાડવામાં તેમનો ફાળો રહ્યો. ઘણા ધાર્મિક ગીતો YouTube પર લોકપ્રિય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે પંડિત જસરાજ હતા જેમણે પોતાના અવાજથી ભજનોને દરેક ઘર સુધી પહોંચાડવાનું શરૂ કર્યું હતું. પંડિત જસરાજે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ અને ‘અચ્યુચત કેશવમ’ જેવા શ્લોકોને ગાયનમાં રૂપાંતરિત કરીને દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.