નવી દિલ્હીઃ ઈરાન યુદ્ધ બાદ દેશમાં LPGની અછત દેખાવા લાગી છે. યુદ્ધની અસર હવે ભારત સુધી પહોંચી ગઈ છે. ગેસ સિલિન્ડર માટે અનેક જગ્યાએ મારામારી જેવી સ્થિતિ છે. ક્યાંક સિલિન્ડર ચોરી થઈ રહ્યા છે તો ક્યાંક ગેસ ભરાવવા લોકો લાંબી લાઈનમાં ઊભા છે. વિરોધ પક્ષ પણ આ મુદ્દે સરકારને ઘેરવા સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ગેસની અછતને લઈને દેશમાં શું સ્થિતિ છે, આવો જાણીએ.
ઝાંસીમાં ગેસ ડિપો બહારથી સિલિન્ડર ચોરી
ઝાંસીમાં ગેસ ડિપોના બહારથી ચોરી થયેલા 524 ભરેલાં LPG સિલિન્ડર મળી આવ્યાં છે. ચોરો ડિપો બહાર ઊભેલા સિલિન્ડર ભરેલા ટ્રકને ચોરી કરી લઈ ગયા હતા. પોલીસે ખાલી ટ્રક તો પહેલેથી જ કબજે લીધો હતો. તપાસમાં ખૂલ્યું હતું કે ઝાંસીની એક ગેસ એજન્સીને આ સિલિન્ડર 13 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગેસ એજન્સીના માલિક સહિત સાત આરોપીઓને ધરપકડ કરી છે.
લખનૌમાં ગેસ ગોડાઉન બહાર લાંબી લાઈન
લખનૌમાં ગેસ એજન્સી અને ગોડાઉન બહાર આજે પણ લાંબી કતારો જોવા મળી રહી છે. શું ખરેખર LPG સિલિન્ડર મળી રહ્યા નથી કે લોકો ડરને કારણે પહેલેથી જ સિલિન્ડર લઈને ઘરે રાખવા માગે છે? લખનૌના એક ગોડાઉન બહાર લોકોની મોટી ભીડ જોવા મળી. લોકોનું કહેવું છે કે ગેસ ખતમ થયા પછી પણ સિલિન્ડર ઘરે પહોંચતો નથી, તેથી તેઓ જાતે લેવા આવ્યા છે. ઓનલાઈન બુકિંગ કર્યા છતાં હોમ ડિલિવરી નથી મળી રહી. ભોપાલમાં પણ ગેસ એજન્સી બહાર આવાં જ દૃશ્ય જોવા મળ્યાં, જ્યાં લોકો લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા.
કોલકાતામાં LPGની અછત
કોલકાતાના વિવિધ વિસ્તારોમાં LPGની અછત સામે આવી રહી છે. ખાસ કરીને શહેરના મોટા ભાગના ઓટો રૂટ અસરગ્રસ્ત બન્યા છે, કારણ કે તેમને LPG (ઓટો ગેસ) મળી રહ્યો નથી. દક્ષિણ કોલકાતાના તારાતલા વિસ્તારમાં ઓટોની લાઈન લગભગ 1.5 કિમી લાંબી જોવા મળી. કેટલાક લોકો ગઈ કાલ રાતથી તો કેટલાક આજે સવારથી લાઈનમાં ઊભા રહ્યા હતા. દરેક વ્યક્તિ LPG રિફિલિંગ માટે કલાકો સુધી રાહ જોઈ રહી હતી.




