લોકસભા ચૂંટણી : છઠ્ઠા તબક્કામાં 59.7 ટકા મતદાન થયું

શનિવારે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી 59.7 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગતાવાદીઓથી પ્રભાવિત અનંતનાગ-રાજૌરી સીટ પર 28 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો અને 52 ટકા મતદાન થયું હતું.

ક્યાં કેટલું મતદાન થયું ?

  • બિહાર – 53.30%
  • હરિયાણા – 58.37%
  • જમ્મુ અને કાશ્મીર – 52.28%
  • ઝારખંડ – 62.87%
  • દિલ્હી – 54.48%
  • ઓડિશા – 60.07%
  • યુપી – 54.03%
  • પશ્ચિમ બંગાળ – 78.19%

બંગાળના આઠ લોકસભા મતવિસ્તારના કેટલાક વિસ્તારોમાં હિંસાના છૂટાછવાયા બનાવો સાથે રાજ્યમાં સૌથી વધુ 78.19 ટકા મતદાન નોંધાયું હતું. દિલ્હીમાં મતદાન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 428 બેઠકો પર મતદાન પૂર્ણ

તમને જણાવી દઈએ કે લોકસભા માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. અત્યાર સુધીમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 428 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 4 જૂને મતગણતરી થવાની છે.

અનંતનાગ-રાજૌરીમાં પણ લોકશાહીની ઉજવણી

જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સંસદીય સીટ પર શનિવારે બમ્પર મતદાન થયું હતું. આતંકવાદીઓ અને અલગતાવાદીઓના પ્રભાવ હેઠળના આ વિસ્તારમાં 1996નો રેકોર્ડ તૂટી ગયો હતો અને લગભગ 52 ટકા મતદાન થયું હતું. મતદારોનો આ ઉત્સાહ વર્ષ 2019માં થયેલા 9.7 ટકા મતદાન કરતાં લગભગ 42 ટકા અને 1996માં થયેલા 50.20 ટકા મતદાન કરતાં બે ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ક્યાંય પણ આતંકવાદી હિંસા થઈ નથી.