ગુજરાતના જૂનાગઢના મોગલધામ ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી અને જીજ્ઞેશ કવિરાજ સહિતના ખ્યાતનામ લોકગાયકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન લોક કલાકારો તેમજ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી. તેમના સમર્થકોએ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પર ચલણી નોટોની ડોલનો વરસાદ કર્યો હતો.
જૂનાગઢના મોગલધામ ખાતે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતા મોગલની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે મોગલ ધામ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ગુજરાતના જાણીતા ડાયરા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને જીજ્ઞેશ કવિરાજ સહિત વિવિધ કલાકારોએ લોક ડાયરામાં પોતાની પ્રતિભા દર્શાવી હતી.
લાખો રૂપિયાનો વરસાદ
આ ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની વર્ષા કરવામાં આવી હતી. કલાકારો પર 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય લોક ડાયરામાં ધારાસભ્ય દેવભાઈ માલમ, ભાજપના જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા સહિત અનેક અગ્રણી સંતો-મુનિઓ ઉપસ્થિત રહ્યા હતા.