મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રનાં મતદાનનો આ અંતિમ તબક્કો છે. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 35 બેઠકો પર ગત ચાર તબક્કામાં વોટિંગ થઈ ચૂક્યુ છે. રાજ્યમાં મુખ્ય લડાઈ શિંદેની શિવસેના અને અજિત પવાર વાળી એનસીપી મહાયુતિ ગઠબંધન અને મહા વિકાસ અઘાડી વચ્ચે છે. મહાવિકાસ અઘા઼ડીમાં કોંગ્રેસ શરદ પવારવાળી એનસીપી અને ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના સામેલ છે.
મુંબઈમાં નેતાથી લઈ અભિનેતાઓ સહિતી હસ્તીઓએ મત આપી પોતાની ફરજ નિભાવી છે. મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધીમાં 15.93 ટકા મતદાન થયું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈ નોર્થ લોકસભા સીટ પર 14.71 ટકા મતદાન થયું છે. મુંબઈ નોર્થ સેન્ટ્રલમાં 15.73 ટકા, મુંબઈ નોર્થ ઈસ્ટમાં 17.01 ટકા, મુંબઈ નોર્થ વેસ્ટમાં 17.53 ટકા, મુંબઈ સાઉથમાં 12.75 ટકા અને મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં 16.69 ટકા મતદાન થયું છે.
ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ મુંબઈમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકશાહીમાં, મતદાન દ્વારા, તમને તમારા અને તમારા દેશના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. તમારે મતદાન કરવું જ પડશે. લોકશાહીના આ મહાન ઉત્સવમાં ભાગ લો.અભિનેતા અક્ષય કુમાર, જાન્હવી કપૂર, ખુશી કપૂરથી લઈને શાહિદ કપૂર સહિતના સેલેબ્સે મત આપી પોતાની ફરજ નિભાવી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાનો મત આપવા માટે મુંબઈના એક મતદાન મથક પર પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમનો પુત્ર આદિત્ય ઠાકરે પણ તેમની સાથે હાજર હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પણ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા.