મુંબઈ: ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ ઉમાશંકર જોશીના 114માં જન્મદિવસ નિમિત્તે કાંદિવલીમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાહિત્યકાર ડૉ.દિનકર જોશીએ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોશી વિશે રસપ્રદ વાતો કરી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા તો બીજી બાજુ એસએનડીટીની વિધાર્થીનીઓ તરફથી ‘મળી મને મારી માતૃભાષા ગુજરાતી…’કોરસમાં જોશપૂર્વક રજૂ કરીને માહોલને ઉમાશંકર જોશીમય બનાવી દીધો હતો.
કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટી, સંચાલિત ગુજરાતી ભાષા ભવન દ્રારા સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ ઉમાશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી” શીર્ષક અંતર્ગત એક રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેને વરસાદી માહોલમાં પણ રસિકજનોએ પોતાની હાજરીથી છલકાવી દીધો હતો. આ પ્રસંગે ઉમાશંકર જોશીના ચુનંદા ઉત્તમ સર્જનોને ગીત, કાવ્યપઠન રૂપે રજૂ કરાયા હતા. એસએનડીટી, ચર્ચગેટની એમએ (માસ્ટર ઓફ આર્ટસ)ની વિધાર્થીની બહેનોએ રસપ્રદ અંદાજમાં કવિની રચનાઓને પ્રસ્તુત કરી શ્રોતાઓના મનોભાવને આનંદથી ભીંજવી દીધા હતા.
ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. દિનકર જોશીએ આ પ્રસંગે ઉમાશંકર જોશીના જીવનના કેટલાંક કિસ્સાઓ સહિત તેમના વિશેની રસપ્રદ વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ સર્જકને 113 વરસ બાદ પણ આ સ્વરૂપે યાદ કરાય એ ઉત્તમ પ્રસંગ કહેવાય. આ શુભ અવસરે સુપ્રસિદ્ધ ખગોળ વિજ્ઞાનશાસ્ત્રી ડો. જે.જે.રાવલે ઉપસ્થિત રહીને સાહિત્ય અને વિજ્ઞાનના એકત્વને સિદ્ધ કરતી સ્વ-રચિત સુંદર કવિતા પ્રસ્તુત કરી પોતાનો આનંદ પ્રગટ કર્યો હતો. એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ પ્રૉ.દર્શના ઓઝા પણ આ શુભ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
સામયિક અને પુસ્તક વિમોચન પણ
કાર્યક્રમનાં પ્રારંભે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ સામયિક ‘સિસૃક્ષા’અંક-8 તથા વિભાગની વિદ્યાર્થિની અલ્પા દેસાઈની નવલકથા ‘ગોરસ’ અને વિદ્યાર્થિની ફાલ્ગુની વોરાનાં અનુવાદિત પુસ્તક ‘રંગમંચનું પ્રકાશ આયોજન’ નું ડો. દિનકર જોશી, ડો. જે.જે.રાવલ, કીર્તિભાઈ શાહ,એ.બી.મહેતાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રૉ. દર્શના ઓઝા તથા કવિત પંડ્યાના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિ એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર બહેનો અનિતા ભાનુશાલી, ફાલ્ગુની વોરા, રૂપાલી શાહ, શીતલ રાઠોડ, બીના દેસાઈ, જસ્મીન શાહ, ઊર્મિ ઝવેરી, સોનાલી ગોરડિયા, ઇન્દ્રાવતી ઝાલા, ક્રિષ્ના સોની, જીજ્ઞા જોશી, સાવિત્રી શાહ, હેતલ ગાલા, હિરલ પંડ્યા અને ગોપી શાહ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઉમાશંકર જોશીની 20 જેટલી પ્રતિનિધિ અને પ્રસિદ્ધ કવિતાઓનું ગાન તથા પઠન કરવામાં આવ્યું હતું, એમનાં પ્રસિદ્ધ પદ્યનાટક ‘યુધિષ્ઠિર’ની વાચિક પ્રસ્તુતિ ડો.કવિત પંડયા દ્રારા કરવામાં આવી હતી અને ગદ્ય કૃતિઓનું પણ પઠન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કેઈએસના ટ્રસ્ટીઓ મહેશ શાહ, ભરત દત્તાણી, વિનોદ શાહ અને કવિ સંજય પંડયા સહિત અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.